યુવાનોમાં દાઢી રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે
દાઢી : પ્રાચીનથી અર્વાચીન કાળ સુધી…
કવર સ્ટોરી -મુકેશ પંડયા
કુદરતે મનુષ્યને શરીર આપ્યું તેની સાથે પાતળી રેશમની દોરી જેવા વાળ પણ આપ્યા છે. આ વાળ શરીરની સુંદરતા વધારે છે તેની સાથે સાથે શરીરનું રક્ષણ પણ કરે છે. ખાસ કરીને મગજ , આંખ અને ગુપ્તાંગ જેવા નાજુક અંગોનું રક્ષણ કરવા વાળ ઉપયોગી બની રહે છે.
મનુષ્યમાં પણ નર અને નારીમાં વાળની લહાણી બાબતમાં કુદરતે થોડો ફરક રાખ્યો છે. પુરુષને દાઢી અને ચહેરા પર પુખ્ત વયે વાળ ઉગી નીકળે છે. જેને આપણે દાઢી-મૂછ કહીએ છીએ. જ્યારે મહિલાઓને આ બાબતે પરમ શાંતિ હોય છે. પુરૂષનો ચહેરો આ કારણે બરછટ બનતો જાય છે. જ્યારે સ્ત્રીનો ચહેરો પુખ્ત વયે પણ કોમળ રહે છે. બે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થતું હોય છે. તેમ પુરુષ અને સ્ત્રીના ચહેરામાં આ જે ફરક છે એ એક બીજાને વધુ આકર્ષિત કરવા માટે જ રચાયો હોય તો નવાઈ નહીં. આજકાલ યુવાનોમાં દાઢી રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે તેમાં તેમની પ્રેયસી, ફિઆન્સી કે પત્નીનો આગ્રહ પણ કામ કરતો હોઈ શકે. હાલ ક્રિકેટરો હોય કે યુવા અભિનેતા સરસ મજાની ટ્રીમ કરેલી દાઢીમાં વધુ જોવા મળે છે.
દાઢી વધારવાનું બીજુ એક કારણ સમયનો અભાવ હોઈ શકે. નોકરી ધંધાની લાયમાં સમયસર ઓફિસે પહોંચી જવાનું ટેન્શન હોય ત્યારે રોજ કે એકાંતરે દાઢી કરવામાં સમય વેડફવાનું યુવાનો ટાળે છે.
ત્રીજુ કારણ એ છે કે આજકાલ દાઢીના વાળને અનેક રીતે કાપી ટ્રિમ કરી ચહેરાની ઉણપને ઢાંકી શકાય છે. વધુ આકર્ષક બનાવી શકાય છે. જેમ મહિલાઓ મેકઅપ કરીને ચહેરો વધારે આકર્ષક બનાવે છે એમ પુરૂષો પણ પોતાની દાઢીનો ગેટ અપ બદલી ચહેરાને વધુ રૂપાળો બનાવવાનો પ્રયાસ કરતા હોય છે.
અગાઉ પ્રાચીન કાળમાં પણ પુરુષો દાઢી મૂ્છ રાખતા હતાં. રાજા હોય કે ડાકુ. ઋષિ હોય કે સંસારી દાઢી-મૂછ રાખવા એ પૌરૂષત્વની નિશાની ગણાતી હતી. મહિલાઓ ધારે તોયે આ બાબતનો લહાવો લઈ શકે એમ ન હતી.
યુદ્ધ કરવા જવું હોય કે ધિંગાણે ચઢવું હોય તો ચહેરાનું રક્ષણ કરવા માટે ભરાવદાર દાઢી મૂછો કામ લાગતી. તલવાર કે ભાલા લાગવાથી લોહી નીકળે તો પણ ભરચક વાળને કારણે એ જલ્દી થીજી જતું . ચહેરા પર લાગેલા ધાના નિશાન પણ દાઢીને કારણે છુપાયેલા રહેતા.
અગાઉના સમયમાં પગપાળા પ્રવાસ કરવાનું ચલણ વધારે હતું . માથા અને ચહેરાનું તીવ્ર સૂર્ય પ્રકાશ કે કાતિલ ઠંડીથી રક્ષણ કરવા આ વાળ ઢાલ જેવું કામ કરતાં હતા.
આજકાલ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે સૂર્યના જોખમી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ચહેરાનું રક્ષણ પણ થાય છે. કરચલીઓ જલદી પડતી નથી, તેમ જ ચામડીની કાંતિ વધે છે.
એક વિદેશી ડોક્ટર એડિસન પી. ડચર જણાવે છે કે મૂછ, નાકના વાળ અને દાઢી, હવામાંની ધૂળની રજકણો, ગળાના રોગો તેમ જ અસ્થમાની બીમારી પેદા કરતાં વિષાણુઓથી શરીરને બચાવે છે.
ધ ડિપેન્ડન્ટ જીન નામના પુસ્તકના લેખક તો વળી એમ કહે છે કે તમે માનો યા ન માનો પણ દાઢી અને સેક્સ(જાતીયતા)ને સીધો સંબંધ છે મતલબ કે વધારે દાઢી એમ વધારે આનંદ. અગાઉ કહ્યું તે પ્રમાણે દાઢી વધારવાની પ્રેરણા મહિલા સાથીદારો આપતી હોય છે એનું આ કારણ પણ હોઇ શકે.
વારંવાર દાઢી કરીને ચહેરો કલીન શેવ્ડ રાખનારને દાઢી રાખનાર પુરુષની સરખામણીમાં ખીલ-ફોડલીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
દાઢી રાખવાથી ચદેરે ભેજયુક્ત રહે છે, જ્યારે દાઢી ન રાખવાથી, ખાસ કરીને શિયાળાની ઠંડીમાં તમારા ચહેરા પરની ચામડી જલદીથી સૂકાઇ જાય છે. આવી ડ્રાય સ્કિન ઘણી ચામડીની સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે.
યુવાનો આજે બિયર્ડ બોય બનીને ફરે છે તેનો વાંધો નહીં પરંતુ દાઢીને સાફ-સૂથરી રાખવી એ પણ અત્યંત જરૂરી છે. દાઢીમાં જીવજંતુ કે બેક્ટેરિયા ઘર ન ભાળી જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો પછી બીમારી પણ દસ્તક દઈ શકે છે.