પુરુષ

મતદાન હોય કે યોગદાન, એમાં આપણે કયાં પાછા પડીએ છીએ?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આજકાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એટલે આપણે ચૂંટણી સંદર્ભની વાત કરીએ. આપણા દેશમાં ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ કદાચ વધુ હશે, પરંતુ મતદાનનું પ્રમાણ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ હોય છે. આયર્ની-વક્રતા પાછી એ છે કે આપણી યોજનાઓનો સૌથી પહેલો લાભ શહેરી વિસ્તારના નાગરિકોને મળતો હોય છે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ઘણીવાર સામાન્ય કહી શકાય એવી સુવિધાઓથી પણ વંચિત રહી જાય છે.

જો કે આપણો મુદ્દો એ નથી. આપણો મુદ્દો એ છે કે ગામડાંની સરખામણીએ શહેરોમાં મતદાન ઓછું થાય છે એનો અર્થ એ થાય છે કે આપણામાંના ઘણા એવા હોવાના, જે મતદાન કરવાનું ટાળતા હશે. અલબત્ત, આપણે બધા એટલા મહાન છીએ કે આપણી પાસે આપણા જેટલા જ મહાન કારણો પણ હોવાના
મતદાન ન કરવું કે એ માટેનું આપણી પાસે કોઈ ચોક્કસ કારણ હોવું એ બંને ઘટના જૂદી જૂદી છે, કારણ કે મતદાન ન કર્યા પછી નૈતિક રીતે સરકારની ખામીઓ કાઢવાનો આપણો અધિકાર જતો રહેતો હોય છે. આપણને એવો અધિકાર જ નથી રહેતો કે બાકીના પાંચ વર્ષ આપણે સરકારની, સરકારી યોજનાઓની કે પછી સિસ્ટમની ટીકા કરીએ!

આપણને તક મળી હતીને કે આપણે આપણને ગમે એવા ઉમેદવાર કે પક્ષને ચૂંટીએ પરંતુ આપણું સામાન્ય લક્ષણ એ છે કે જ્યારે આપણે પરફોર્મ કરવાનું હોય કે પછી આપણે નાનકડો પ્રયાસ કરવાનો હોય તયારે આપણે અત્યંત પાછા પડી જઈએ છીએ અને ત્યારે આપણી પાસે અત્યંત સારી કક્ષના બહાના હોય છે.

જેવું આપણે ચૂંટણીમાં કરીએ છીએ એવું જ જીવનમાં પણ કરીએ છીએ. આપણા પરિવારમાં હોય, અંગત સંબંધોમાં હોય કે પછી આપણા કાર્યક્ષેત્રમાં હોય, જ્યારે આપણું યોગદાન આપવાનું હોય ત્યારે આપણી પાસે સો બહાના હોય છે. કોઈક માંદાસાજાને મળવા જવાનું હોય તો આપણી પાસે કામ બહુ હોય છે. કામ કરતા હોઈએ છીએ ત્યારે પરિવાર કે મિત્રો સાથે ગપ્પા મારવામાં કે ટાઈમપાસ કરવામાં આપણે સમય વેડફીએ છીએ. અને જ્યારે ખરેખર પરિવાર કે મિત્રો સાથે મજા કરવાની હોય ત્યારે આપણને સામાજિક દાયિત્વ કે કામ યાદ આવી જતા હોય છે. કોઈ પણ ભૂમિકા ભજવતી વખતે આ રીતે ભળતી સળતી બાબત યાદ આવવી એ બીજું કશું નહીં, પરંતુ આપણો પલાયનવાદ છે.

આમ તો આપણે બહુ સફાઈ આપીએ છીએ કે આપણે કેટલા મહાન છીએ ને એની મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ મૂળે આપણે કામચોર છીએ. એટલે આપણે જે સમયે જે કામ કરવાનું હોય કે જે ભૂમિકા ભજવવાની હોય એ કરતા નથી અને પછી સામેના માણસ અથવા કોઈ સંજોગની આપણે એ રીતે ટીકા કરતા હોઈએ છીએ કે જાણે આપણે જ વિક્ટિમ – શિકાર અને બીજાએ આપણા પર શુંના શું સિતમ કર્યા
હોય.

આપણે એ શીખવું જોઈએ કે બીજાની ટીકા કરવાથી કે બીજાની ફરિયાદ કરવાથી આપણને કશું મળવાનું નથી. મૂળ તો આપણે આપણા અભિગમને બદવાનો છે પછી એ ચૂંટણીમાં મતદાન હોય કે કોઈ કામમાં યોગદાન આપવાનું હોય.આપણા તમામ મોરચે સજ્જ રહેવાનું છે અને આપણાથી બનતા તમામ પ્રયત્ન કરવાના છે. આપણા તમામ પ્રયત્નો કે મહેનત પછી જો આપણે કહીએ કે મારા જીવનમાં આ તકલીફ છે કે મને કશું મળતું નથી તો કંઈક વાજબી પણ કહેવાય, પરંતુ મોટાભાગના કિસ્સામાં એવું બનતું નથી. આપણે પક્ષે આપણે કચાશ રાખીએ છીએ. ને સામે પક્ષે આપણે મસમોટી અપેક્ષાઓ રાખીને બેસીએ છીએ. એવું ચાલે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button