પુરુષ

ખાંખાખોળા કરવાનાં ફાયદા તેમ જ ગેરફાયદા

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

ઘણા જેને સુટેવ માને છે તે સુટેવ છે કે કુટેવ એ જ મને સમજાતું નથી. જો કે એ તો કામ પત્યા પછી જ ખબર પડે. અમારા ઘરમાં પતિદેવને ખાખાખોળા કરવાની તેમ જ ફાંફાં મારવાની સુટેવ… જો કે એ એમના કહ્યા પ્રમાણે ! બાકી મને કોઈ પૂછે તો એ કુટેવ જ ગણાય. કારણ? કારણ કે ખાખાખોળા કરવાથી રાઈનો પહાડ, સ્થળ ત્યાં જળ, જળ ત્યાં સ્થળ, સ્વર્ગ ત્યાં નર્ક ને નર્ક ત્યાં સ્વર્ગ અને એ કંઈ પ્રકારની ચોરીઓ તેમ જ સિક્રેટ્સના પર્દાફાશ થાય તે તો સમય, સ્થળ અને જે તે બનાવ બને ત્યારે જ ખબર પડે. જેમ કે ઘણાં માણસો ફાંફાં મારે, ખાખાખોળા કરે, પણ ભાઈ, ઘરમાં કરે ત્યાં સુધી તો ઠીક છે. આમ બહાર નીકળીને પણ આવી સુટેવ ચાલુ રાખે તો? તો પછી જુઓ એક ઉદાહરણ.

અમારી સામે સુધાબહેન રહે. એક દિવસ એ અને એમના પતિદેવ સાથે બસમાં બેસી ખરીદી કરવા ગયા. પતિદેવને પેલી સુટેવ હતી એટલે એમણે એ પરમ કર્તવ્ય શરૂ કર્યું. બસમાં ભીડ ઘણી, ધક્કા-મુક્કી ચાલુ હતી. સુધાબહેન અને એમના પતિદેવ પણ બસમાં ઊભાં હતાં. થોડે થોડે અંતરે ચડઊતર ચાલુ હતી. પતિદેવના ખાખાખોળા ચાલુ હતા. એટલામાં જોરથી અવાજ આવ્યો – મુઆ, ઘરમાં મા-બહેન નથી. ઘરમાં બાયડી હો નથી, તે આમ મુઓ ખાખાખોળા કરી ભીડને બહાને બૈરાંને અડપલાં કરે છે. અને એ સાથે ધડામ કરતો તમાચાનો અવાજ આવ્યો જેવી બસ ઊભી રહી કે સુધાબહેન ઊતરી ગયા. રિક્ષા કરાવી ખરીદી કર્યા વિના જ ઘરે વીલા મોઢે પાછા ફર્યા. મેં પૂછ્યું, કેમ સુધાબહેન, આટલાં જલ્દી? સુધાબહેન બોલ્યાં, “ખાખાખોળા આજે જરાં જલ્દી પતી ગયાં ! પતિનું પતિત્વ આટલું જલ્દી બહાર આવશે અને એ પણ આ રીતે ભરી બસમાં? આજની ઘડીને કાલનો દહાડો, સુધાબહેનનો હાથ હંમેશ માટે પતિથી વ્હેંત ઊંચો થઈ ગયો અને આજ સુધી ગોકળગાય બનીને રહી ગયેલાં સુધાબહેન વાઘ થઈને ઘરમાં ટહેલવા લાગ્યાં. પેલી કહેવત મુજબ ‘કહુતરે ફાયદો થીઓ !’ તે આનું નામ ખાખાખોળાં કરવાની રીતથી પત્નીએ લખેલી સાચેસાચી અંગત ડાયરી, અંગત ફોન નંબરો – મોબાઈલમાં સેવ કરેલ કોડવર્ડના નંબરો, લગ્ન પહેલાં લખાયેલા અનામી સુનામી સમા પત્રો, પતિથી ચોરીછુપી ભેગી કરેલી ખાસી એવી મોટી મોટી રકમ, શોપિંગનાં બિલો, મોંઘી સાડી તેમ જ ઘરેણાં. લગભગ બે વર્ષથી સડી રહેલાં અથાણાં, પાપડ, મુરબ્બા, વેફર, અનાજ, તેલ, ઘીનો સ્ટોક જ્યારે જ્યારે પતિદેવ ભાળી જાય છે ત્યારે ઘણાંનાં ઘરમાં મહાભારત યુદ્ધ શરૂ થઈ જાય છે અને એમાં દીકરીઓ લગભગ મમ્મીને પક્ષે અને દીકરાઓ પપ્પાને પક્ષે રહી યુદ્ધ ચાલુ રાખતા હોય છે.

સાસુ-સસરા લગભગ ‘નરોવા કુંજરોવા’ની ભૂમિકામાં ક્યારેક સહદેવ, કયારેક ધૃતરાષ્ટ્ર, ક્યારેક ભીષ્મપિતામહ તો ક્યારેક કુંતીનો રોલ અદા કરતાં હોય છે. પણ એ ભૂમિકામાં પણ એમને તો ભારોભાર જોખમ જ વર્તાતું હોય છે. કારણ કે ભોજન ભેગા થવું હોય તો વહુને સાચવવા પડે અને ચપુંચપટી વાપર ખર્ચા જોઈતી હોય તો દીકરાને સાચવવો પડે. ઘણીવાર આમ કરવામાં એઓને તો બાવાની બેઉં બગડી જેવી પરિસ્થિતિમાં પણ મુકાવું પડે છે.

ઘણીવાર ખાખાખોળાં કરવામાં, ફાંફાં મારવામાં કે ડોકિયાં કરવામાં ઘણી બધી વ્યક્તિઓએ ન જોવાનું જોવું પડે છે અને એમ કરતાં દાઝવાનો, છોભીલા પડવાનો, નીચા જોવાનો કે માફી માંગવા સુધીની કફોડી હાલતમાં મુકાવું પડે છે.

મારા સુજ્ઞ પતિદેવને રસોડામાં ફાંફાં મારવાની સુટેવ. થોડી થોડી વારે તપેલા ખોલવાં, ડબ્બા બરણી ફંફોસવી, આ આમ કેમ મૂક્યું છે? આમાં કેમ ભર્યું છે? આટલું બધું કેમ વધ્યું છે? પેલું ક્યાં ગયું? આનું શું કામ હતું? રસોડાને ઉકરડો કેમ બનાવી દીધો? વગેરે વગેરે પ્રશ્ર્નો રસોડામાં વારંવાર દાળ-શાકની જેમ ઉકળતા રહે છે. અને એને કારણે દાળ-શાકનાં રૂપ-રંગ-સુગંધ વારંવાર બદલાઈ જતા હોય છે. પતિદેવને પ્રશ્ર્નોનાં જવાબ ન આપી શકવાને કારણે બધો ગુસ્સો દાળ-શાક ઉપર ક્રમશ: નીકળતો હોય છે.

એકવાર ફ્રીજ ખોલીને પતિદેવ મોટેથી ત્રાટક્યા. આ ફ્રીજમાં આટલાં બધા વાસી શાક-દાળ-ભાત કેમ રાખી મૂકેલાં છે? આખા શહેરમાં ચિકનગુનિયા ફેલાયેલા છે તને ખબર નથી? ચાર-પાંચ દિવસનો વાસી પુરવઠો ફેંકી દેતી હોય તો? એ સમયે હમણાં જ ચિકનગુનિયામાંથી સાજી થઈને કામવાળી માંડ વીસ દિવસે હાજર થઈ હતી. તેણે આ સાંભળ્યું. મારી કાપો તો લોહી ના નીકળે, એવી પરિસ્થિતિ. કારણ કે રોજ હું ફ્રીજનું કાઢીને કામવાળાને ગરમ કરીને ખાવાનું આપતી હતી. અને આજે વળી ઘણા દિવસે એ હાજર થઈ હતી. એટલે આનંદના અતિરેકમાં મેં એને આવતા જ કહી દીધું હતું – રમાબહેન, ફિકર ન કરતાં, આજે તો હું તમને જમાડીશ અને ઘરના લોકો માટે ટિફિન પણ બાંધી આપીશ. હા! તેમાં જ આ ગરબડદાસે બફાટ કર્યો. સુખદ વાર્તાનો અંત આટલો કરુણ આવશે. કોને ખબર હતી?
અરે એકવાર અણગમતાં મહેમાનને ભાઈ તેડી લાવ્યાં. એટલે મેં તાજી આવેલી મીઠાઈ ફ્રીજમાં સંતાડી અને વાસી મીઠાઈ ડાઈનિંગ ટેબલ પર સજાવ્યા. પણ નરસિંહ મહેતા જેનું નામ, જમતા વેળા ખાખાખોળા શરૂ કરી દીધા. પહેલાં ટેબલ, પછી ગેસ, તપેલા, કેસરોલ, ડબ્બા ખૂલતાં ગયા અને પછી આખરે ફ્રીજ ખૂલ્યું કે મારું હૃદય ધબકારા ચૂકી ગયું. મહેમાનોની દેખતા જ તદ્દન ઘસાઈ ગયેલ જૂનું પૂરાણુ થાબી વાજુ આધુનિક લાઉડ સ્પીકરની લેટેસ્ટ ઊપજની જેમ બધાં જ બહેરાં હોય તેમ મોટેથી બરાડ્યા – કેમ આ તાજી મીઠાઈ ફ્રીજમાં? ને પેલી વાસી મીઠાઈ ડાઈનિંગ ટેબલ પર… કાલે જ પર્વ કહેતો હતો બાપા આ મીઠાઈ તો ખોરી લાગે છે. ફેંકી દોને ! અરે હા, મેં તો કચરાપેટીમાં નાખી પણ દીધેલા. ત્યાંથી કાઢીને પાછી ડાઈનિંગ ટેબલ પર કોણે સજાવી? ઉકરડાં પર અગરબત્તી ને ડાઈનિંગ ટેબલ પર ધૂપ કરવાની કુચેષ્ટા કોણે કરી? જોયું, અમારી બાજ નજર… અને પછી એક તરફ અટ્ટહાસ્ય… તો બીજી બાજુ મહેમાનને તો જાણે કોઈએ તમાચો મારીને ખૂણે બેસાડ્યાં હોય કે પછી કોઈએ લમણે બંદૂક મૂકી ખાવા બેસાડ્યાં હોય એવું કરુણ દ્રશ્ય અને હું તે દિવસે ન વિચારવાનું વિચારી બેઠી કે કાશ કામવાળીની જગ્યાએ આ ચિકનગુનિયાની થોડી અસર મને જ થઈ હોત તો એઓ જાતે રસોઈ બનાવતાં હોત અને ખાખાખોળા તો કમસેકમ ના કરતે !!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button