પુરુષ

પુરુષ માટે શાંતિનો સંસાર કે સંસારમાં શાંતિ?

આ સ્થળ એમના માટે શાંતિનું સરનામું બની ગયું છે!

મેલ મેટર્સ – અંકિત દેસાઈ

થોડા દિવસો પહેલાં બ્રિટનમાં એક ચોંકાવનારું રિસર્ચ બહાર આવ્યું. રિસર્ચમાં એમ કહેવાયું કે બ્રિટનના પુરુષો એક વર્ષમાં સાત કલાકથી વધુ સમય વોશરૂમમાં વીતાવે છે!
કેમ? તો કહે કે માનસિક શાંતિ અને નિરાંત માટે! કારણ કે વોશરૂમ એક એવી જગ્યા છે જ્યાં કોઈ એની પાસે કોઈ કારણ નથી માગતું કે તું અહીં શું કરે છે? વળી, અહીં એ એના મોબાઈલ સાથે સાવ એકલો હોય છે એટલે પુરુષ મનફાવે એ સર્ફ કરી શકે છે-મનફાવે એની સાથે ચેટ કરી શકે છે અથવા તો કશું જ નહીં કરતા હળવાશથી બેસી તો શકે જ છે!

પહેલી નજરે આ રિસર્ચ હાસ્યાસ્પદ લાગી શકે: યાર, આવું કેવું? પરંતુ જો આ રિસર્ચ પર ગંભીરતાથી જોઈએ તો એક અર્થ એ નીકળે કે આજનો અર્બન પુરુષ એને જોઈતી એટલી શાંતિ મેળવી શકતો નથી અથવા તો એની જવાબદારી અને માનસિક ત્રાસ હદ કરતાં વધી ગયા છે, જેને પગલે જ એણે વોશરૂમમાં જઈને નિરાંત શોધવી પડી રહી છે અને એવું નથી કે આ રિસર્ચ
બ્રિટનનું છે એટલે આ સ્થિતિ માત્ર બ્રિટનમાં જ હશે.
ભારતમાં પણ હવે પુરુષો વોશરૂમમાં મોબાઈલ લઈને મિનિટો સુધી બેસી રહે છે એની રિલ્સ ઈન્સ્ટાગ્રામમાં વાયરલ થાય જ છે! આમ આ માનસિક શાંતિના અભાવની સ્થિતિ સાર્વત્રિક છે એ માનવું રહ્યું.

જોકે પુરુષની આ માનસિક અશાંતિનાં કારણ શું છે? તો બ્રિટનના એ રિસર્ચમાં ત્રીસ ટકાથી વધુ પુરુષોનું કહેવું છે કે બહારના ત્રાસથી થાકીને એ ઘરમાં આવે ત્યારે પત્ની-સંતાનો અથવા એના માતા-પિતાનો કશોક કકળાટ હોય જ છે. એ બધા એવો માહોલ પૂરો જ નથી પાડી શકતા અથવા તો એવું સમજી જ નથી શકતા કે એમના દીકરા-પિતા કે પતિ આખા દિવસમાં અનેક અપમાનો ગળીને, અનેક સ્પર્ધાઓ વેઠીને કે પછી ઘણો શ્રમ કરીને આવ્યો છે તો એને થોડા સમય માટે અમુક વાતો નહીં કરવી, અમુક ફરિયાદો નહીં કરવી અથવા એનું મન વધુ ખિન્ન થાય એવી પ્રવૃત્તિઓ નહીં કરવી!

જોકે, આનાથી થાય છે ઊલટું એના પરિવારજનો જાણે ટાંપીને જ બેઠા હોય છે, જેવો પુરુષ ઘરે આવે એટલે એવી ધમાચકડી શરૂ કરી દે કે એ સમયે પુરુષ શાંતિ ક્યાં મેળવે? બાથરૂમમાં જ જવું પડે?!

રિસર્ચમાં એક બીજું ચોંકાવનારું તારણ એ પણ આવ્યું છે કે પુરુષને પર્સનલ લાઈફમાં એને ‘મી ટાઈમ’ મળતો જ નથી. મોટાભાગના પુરુષોનું કહેવું છે કે એમની લાઈફ પાર્ટનર એમને ક્યાં તો કોઈ કામ સોંપે છે અથવા તો સતત પોતાની સાથે જ રહેવાનો આગ્રહ રાખે છે.

કેટલાક પુરુષોએ તો ત્યાં સુધી કહ્યું કે પાર્ટનર કોઈક કામ કરતી હોય એ સમયે એને નિરાંત હોય અને તે શાંતિથી બેઠો હોય અથવા તો આડો પડ્યો હોય તો એની પાર્ટનર પાસે બોલાવી લે અથવા તો કોઈક કામ ચીંધી દે છે, જેથી એ નિરાંતે ન બેઠો રહે!

આ પુરુષોનું કહેવું છે કે બિઝી લાઈફમાં એમને ઘરે અમુક જ કલાક વીતાવવા મળતા હોય છે. એવા સમયમાં થોડો સમય એમને ‘મી ટાઈમ’ મળવો જોઈએ. પરંતુ આ ‘મી ટાઈમ’ એમને માટે દોહ્યલો બની જાય છે. એટલે બાપડો ગરીબડો પુરુષ બીજો કોઈ કકળાટ ન કરતા ‘પેટ ખરાબ છે’ નું બહાનું કાઢીને વોશરૂમ જતો રહે છે અને કમોડ પર બેઠાબેઠા મોબાઈલ સર્ફ કરતા પોતાનો મી ટાઈમ માણે છે!

મજાની વાત એ છે કે આ બધા પુરુષોએ પાછું એમ પણ કહ્યું કે એમની પાર્ટનરને વોશરૂમ ચોખ્ખું જોઈતું હોય છે એટલે એ જ્યારે પણ વોશરૂમ જાય ત્યારે એ વાતની અત્યંત કાળજી રાખે છે કે વોશરૂમ સ્વચ્છ રહે ને જો જરૂર પડે તો એ વોશરૂમ સાફ કરીને પણ આવે છે, જેથી બહાર નીકળે પછી ફરી કકળાટ ન થાય અને એમની માનસિક શાંતિ બરકરાર રહે!

બીજા શબ્દોમાં કહીએ તો આજકાલ પુરુષો માટે એમનું વોશરૂમ એ માનસિક શાંતિનું સરનામું બની ગયા છે.! ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button