પુરુષ

એક મા પણ સચવાતી નથી?! કળિયુગની કઠણાઈન જાણો કહાણી

નીલા સંઘવી

એક વૃદ્ધાશ્રમની મુલાકાત વખતે અમે જયશ્રીબહેનને મળ્યાં. વૃદ્ધાશ્રમના બગીચાના બાંકડે એકલા બેઠાં હતાં. એકલાં બેઠાં હતાં, પણ ચૂપ નહોતાં બેઠાં. કાંઈક બોલબોલ કરતાં હતાં. લઘરવઘર વેશ હતો. વાળ વિખાયેલા હતા. અમે એમની પાસે ગયા, એમની બાજુમાં બેઠાં અને પૂછ્યું:

કેમ છો જયશ્રીબહેન ?

એ મારી સામે જોઈ રહ્યાં. ઓળખવાની કોશિશ કરી રહ્યાં, પરંતુ ક્યાંથી ઓળખે? અમે તો પહેલી વાર જ મળ્યા હતા. આ જયશ્રીબહેન તો પોતાના પરિચિતોને પણ ઓળખી શકતાં ન હતાં.

જયશ્રીબહેન વિશે વાત કરતા વૃદ્ધાશ્રમનાં સંચાલક બહેને કહ્યું: આ જયશ્રીબહેન આજે લઘરવઘર દેખાય છે, એક જમાનામાં અપટુડેટ રહેતાં હતાં. મોંઘી સરસ સાડી પીનઅપ કરીને વ્યવસ્થિત પહેરતાં. સરસ મજાના દાગીના પહેરતાં. નિયમિત રીતે બ્યુટીપાર્લરની મુલાકાત લેતાં. એમનાં પતિને પણ જયશ્રીબહેનની આવી ચોકસાઈ ગમતી હતી. એમના ઘરમાં પણ બધી ચીજવસ્તુ વ્યવસ્થિતપણે ગોઠવાયેલી હોય. એમને જરા પણ આડુંઅવળું ચાલે નહીં.

તો આજે એમની હાલત આવી કેમ છે? અમે પૂછ્યું.

‘હું એજ વાત કરવા જઈ રહી છું…’ સંચાલક બહેને પછી વાત શરૂ કરી:
જયશ્રીબહેન અને જનકભાઈ પોતાના બે સંતાન જીગર અને જીજ્ઞા સાથે આનંદથી જિંદગી વ્યતીત કરતા હતા. જનકભાઈનો કપડાંનો વ્યવસાય. બે બેડરૂમનું ઘર હતું. જીજ્ઞા મોટી અને જીગર નાનો. જીજ્ઞાનો અભ્યાસ પૂર્ણ થતા જીજ્ઞાને મનપસંદ યુવક સાથે પરણાવી. પરણીને થોડાજ સમયમાં જીજ્ઞાના પતિને કેનેડામાં સરસ જોબ મળી ગઈ એટલે જીજ્ઞા પતિ સાથે કેનેડા ચાલી ગઈ. ઘરમાં રહી ગયા જનકભાઈ, જયશ્રીબેન અને જીગર. જીગર ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે પપ્પા સાથે દુકાને જવા લાગ્યો. ધીમેધીમે પપ્પાના હાથ નીચે જીગર પળોટાવા લાગ્યો એટલે જીગરના લગ્નની વાત આવી. સરસ મુરતિયો અને સારું ઘરબાર હોવાને કારણે જીગર માટે માંગા આવવા લાગ્યા. એમાંથી જનકભાઈ- જયશ્રીબહેન અને જીગર ત્રણેયને તન્વી પસંદ પડી. તન્વી દેખાવમાં સુંદર હતી, ગ્રેજ્યુએટ હતી અને મધ્યમવર્ગના પરિવારની હતી. રંગેચંગે લગ્ન થયા. જીજ્ઞા પણ ભાઈના લગ્નમાં આવી હતી. તન્વી સારી રીતે પરિવાર સાથે રહેવા લાગી. જયશ્રીબહેન પણ વહુને પ્યારથી રાખતાં હતાં. બધાં જ કામમાં તન્વીને સાથે આપતાં હતાં. બધું સરસ ચાલતું હતું એવામાં થોડા દિવસની બીમારી પછી જનકભાઈ સ્વર્ગે સિધાવ્યા. હવે ઘરની બાગડોર જીગર અને તન્વીના હાથમાં આવી ગઈ. ધીરે ધીરે તન્વીએ ઘરનું બધું કામ જયશ્રીબહેન પર નાખી દીધું. જયશ્રીબહેન જ સવારના ચા પાણી, નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું બધું જ બનાવતાં. તન્વી તો હવે રીતસરનો ઓર્ડર જ કરતી. ઘરમાં છુટું કામ કરવા આવતી બાઈ આ બધું જોતી. એને દુ:ખ થતું હતું. વર્ષોથી આ ઘરમાં કામ કરતી હતી. જયશ્રી શેઠાણીનો દબદબો એણે જોયો હતો અને આજે શેઠાણીને રસોયાણી બનેલી પણ તે જોઈ રહી હતી.

આ પણ વાંચો: કોઈનો સમય એક સરખો રહેતો નથી…

એક દિવસ જયશ્રીબહેન ચાની ટ્રે લઈને ડાઈનિંગ રૂમમાં આવતા હતાં. એમને ચક્કર આવ્યાં અને હાથમાંથી ટ્રે પડી ગઈ. કપ-રકાબીની ત્રણ જોડ તૂટી ગઈ. બધી ચા ઢોળાઈ ગઈ. તન્વીએ તો બૂમાબૂમ કરી મૂકી:
‘મારા ઈમ્પોર્ટેડ કપ-રકાબી તોડી નાખ્યા, ધ્યાન ક્યાં છે મમ્મી તમારું? હું જોઉં છું હમણાંથી તમારું ધ્યાન કામમાં જરાય નથી….’

તન્વીનું આવું બડબડ ચાલુ હતું. પડી ગયેલા જયશ્રીબહેનને ઊભા કરવાને બદલે એ ખિજાઈ રહી હતી. કામવાળી બાઈએ ધીમેથી હાથ પકડીને જયશ્રીબહેનને ઊભા કર્યા અને એમના રૂમમાં મૂકી આવી. જીગર આ બધું મૂક પ્રેક્ષકની માફક જોતો રહ્યો. પોતાની માને આટલું બધું સંભળાવતી પત્નીને કાંઈ કહેવાનું જીગરે મુનાસિબ ના સમજ્યું. ઘરના આવા વાતાવરણથી જયશ્રીબહેન ઢીલા પડતાં ગયાં. એમની તબિયત સારી રહેતી ન હતી. રસોઈમાં પણ ગડબડ થતી હતી તેથી તન્વીએ ફરી રસોડું સંભાળવું પડ્યું એનો ગુસ્સો એ જયશ્રીબહેન પર ઉતાર્યા કરતી.

હવે જયશ્રીબહેન રૂમમાં પડ્યાં-પાથર્યાં રહેતાં. બહાર પણ આવતાં નહીં. તન્વી એને વધ્યું-ઘટ્યું-એઠું-જુઠું ખાવાનું આપતી. લક્સ અને પિયર્સ સાબુથી નહાવા ટેવાયેલાં જયશ્રીબહેનને ટોયલેટ ગયા પછી હાથ ધોવાનો જે સાબુ હોય તેનાથી
જ નહાવાનું કહેતી. જયશ્રીબહેન એવાં સાબુથી નહાતા નહીં. આમ એ દિવસો સુધી નહાતાં નહીં અથવા ફક્ત પાણી ઢોળી દેતા શરીર પર એટલે હવે એમનાં શરીરમાંથી વાસ આવવા માંડી હતી.

આ પણ વાંચો: અહીં નવી જ દૃષ્ટિ -નવી જ દિશા મળે છે…

જીગર ચિડાતો: ‘મમ્મી, તારામાંથી બહુ વાસ આવે છે. આવી ગંદી કેમ રહે છે?’ જયશ્રીબહેનનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયું હતું.

એક દિવસ ઘરમાં ફક્ત કામવાળી બાઈ અને જયશ્રીબહેન જ હતાં અને દીકરી જીજ્ઞાનો ફોન આવ્યો. કામવાળીએ બધી જ હકીકત જીજ્ઞાને જણાવી દીધી. માની હાલત જાણીને જીજ્ઞાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. એણે ઈમર્જન્સીમાં ટિકિટ કરાવી અને ચાર દિવસ પછી તો મુંબઈ આવી ગઈ. મા તો દીકરીની સામે જોઈ રહી પછી જીજ્ઞાને ઓળખી અને ભેટીને રડી પડી. ભાઈ-ભાભીને બહુ સંભળાવ્યું તો જીગરે એને કહ્યું: ‘તારી પણ મા છે તું લઈ જા. અમારાથી નથી સચવાતી.’

‘હવે તારી સાથે માને રાખું પણ નહીં ને’ જીજ્ઞાએ કહ્યું હતું. જીજ્ઞા અને એનો પતિ એમ બે જ હતા એના ઘરમાં. બાને આઠ-દસ કલાક કોના ભરોસે મૂકવા, જે એમની કાળજી કરે એટલે જીજ્ઞા બાને અહીં વૃદ્ધાશ્રમમાં લઈ આવી. એના માટે સ્પેશ્યલ રૂમ રાખ્યો છે અને દર બે દિવસે જીજ્ઞા ફોન કરીને બાનો રિપોર્ટ લે છે. જીજ્ઞાને ધરપત છે કે અહીં એની મમ્મી જયશ્રીબહેનને સમયસર ચા-નાસ્તો, જમવાનું બધું મળી રહે છે. એમને સમય સમય પર દવા આપવામાં આવે છે. જયશ્રીબહેનમાં થોડો ફરક પડ્યો છે. હજુ હમણાં જ આવ્યાં છે. સાઈકિયાટ્રીસ્ટનું કહેવું છે કે ‘થોડા સમયમાં એમનામાં ફરક પડશે. જીજ્ઞાબહેન કેનેડાથી બેઠાં બેઠાં પોતાની મમ્મીની વ્યવસ્થા સચવાય રહે તેનું ધ્યાન રાખે છે…’ વૃદ્ધાશ્રમના સંચાલક બહેને જયશ્રીબહેનની કરમકથની સમાપ્ત કરી ત્યાંરે એક જ સવાલ મનમાં ધૂંધવાતો રહ્યો :

‘જે દેહના એક અંશ તરીકે જન્મ થયો એવી
મા જેવી માનેય સાચવી ન શકે એ દીકરો કેવો નઠારો?!’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button