વિશ્વ મહિલા દિવસની જે રીતે રાહ જોવાય છે- એ દિવસે જે રેન્જમાં કાર્યક્રમો હોય છે કે આ દિવસે સ્ત્રીઓનું જે મહિમાગાન થાય છે એવું આંતરાષ્ટ્રીય પુરુષ દિવસે નથી થતું. આ તો સોશિયલ મીડિયા છે એટલે અમારા જેવાને જાણ થઈ. બાકી, હજુય દેશની અડધી ઉપરની આબાદીને એ નથી ખબર કે બે દિવસ પહેલાં જ એટલે ૧૯મી નવેમ્બરે આંતરાષ્ટ્રીય પુરુષ દિવસ ગયો!
આમે ય બાપડો પુરુષ, એના તે વળી શું દિવસો ઉજવવાના? ખુદ પુરુષને પણ પોતાની જવાબદારીઓના ખડકલા વચ્ચે આવા કોઈ દિવસ ઉજવવાની કે એના યોગદાનની નોંધ લેવાય એની પડી પણ હોતી નથી.
પાછલાં વર્ષોથી મહિલા દિવસે એને ગિફ્ટ્સ આપવાની પ્રથા પડી છે એવી કોઈ ભેટ મેળવવાની હોંશ કયાં હોય છે પુરુષને?! એને મન તો એનું કામ અને એની જવાબદારીઓ જ પુરુષ હોવાની ઉજાણી !.
આમ તો આંતરાષ્ટ્રીય પુરુષ દિવસે એની સાથે કોઈ થીમ સાંકળી શકાય એ વિશે પણ ઝાઝો વિચાર કોઈ કરતું નથી., જોકે, આ વખતની આંતરાષ્ટ્રીય પુરુષ દિવસની થીમ છે: ‘મેન્સ હેલ્થ ચેમ્પિયન્સ’, જેમાં જૂદા જૂદા છ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ થીમ એટલા માટે રાખવામાં આવી છે, વિશ્વમાં આરોગ્યની દૃષ્ટિએ જે દેશ આગળ પડતો ગણાય છે એવા ઓસ્ટ્રેલિયામાં પણ રોજ પચાસ એવા પુરુષોના મૃત્યુ થાય છે, જે એમના જીવનના ૭૫મા વર્ષ સુધી પણ પહોંચી શકતા નથી. આ પચાસ મોત પાછા એવાં છે, જેમાં મોતના કારણ અથવા બીમારીને ટાળી કે નિવારી શકાય છે.
Also Read – મુંબઇમાં તાપમાનનો પારો ગગડ્યો, લોકોએ ધાબળા, સ્વેટર કાઢ્યા
-તો પછી વિશ્ર્વના બીજા દેશોના પુરુષોનું શું?
બસ, આ જ વિષયને કેન્દ્રમાં રાખીને આ વર્ષે થીમ રાખવામાં આવી છે કે જે બીમારીઓ કે રોગોનો ઉપચાર થઈ શકતો હોય અથવા જેની વેળાસર સારવાર થઈ શકતી હોય એવા રોગ કે બીમારીઓમાં પુરુષ ન હોમાઈ જવો જોઈએ! એ માટે ભલે પછી સમાજે, સરકારે, કોર્પોરેટ્સે કે પછી પરિવારે કશુંક યોગદાન આપવું પડે અથવા તો કેટલીક તકેદારી લેવી પડે …
આંતરાષ્ટ્રીય પુરુષ દિવસની આ વર્ષની થીમને તો સ્થાનિક સંદર્ભમાં જોઈએ તો આપણે ત્યાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં પુરુષ માવા અથવા ગૂટકામાં કે સિગારેટના માધ્યમથી તમાકુનું સેવન કરે છે. આ તમાકુને કારણે જ આપણા સમાજમાં ઓરલ કેન્સરનું પ્રમાણ અત્યંત વધી ગયું છે અને હવે તો જડબા કાપવા પડ્યા હોય એવા પુરુષો સેંકડોની સંખ્યામાં આપણી આસપાસ દેખાતા થઈ ગયા છે.
આ ઉપરાંત કેન્સરના અન્ય પ્રકારો પણ હોવાના જ, જેમાં પુરુષ માત્ર પોતાની વ્યસનને કારણે હોમાઈ જતો હશે. કેટલાક કિસ્સામાં એવું પણ બને કે કેન્સરનું મૂળ કારણ તમાકું ન હોય, પરંતુ તમાકુએ એની ઈમ્યુન -પ્રતિકારક સિસ્ટમ પર પ્રહારો કર્યા હોય એટલે એ કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બનતો હોય છે. આવા સમયે એવું તો નથી કે પુરુષને ખબર નથી કે એ શું કરી રહ્યો છે? એ આ જાણતો જ હોય છે કે આ વ્યસન એને માટે કેવી કેવી આફત નોતરશે, છતાં એ વ્યસનમાં લપેટાય છે.
એનાં કારણ શું હશે એ જૂદી ચર્ચાનો વિષય છે. પરંતુ મુદ્દો એ છે કે પરિવાર તરીકે, સમાજ તરીકે, કોર્પોરેટ્સ તરીકે કે પછી સરકાર તરીકે તમાકુનું સેવન ન થાય કે પુરુષ વહેલી તકે તમાકુ સેવનમાંથી બહાર આવે એ માટે પ્રયત્ન થવા જોઈએ. અલબત્ત, આ વાતને લઈને સ્વાધ્યાય પરિવારે અને સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રસંશનીય પાયાનું કામ કર્યું છે.
જોકે, આ દિશામાં હજુ વધુ કામ થવું જરૂરી છે, જેથી આપણે ત્યાં પુરુષ જીવનમાં સાતમા દાયકામાં પહોંચે એ પહેલાં મૃત્યુનો કે જીવન નર્ક સમાન બની જાય એવી બીમારીઓનો ભોગ ન બને…. આખરે આંતરાષ્ટ્રીય પુરુષ દિવસની થીમ પણ એ જ છે કે ભાઈ, ટાળી-નિવારી શકાય એમાં પુરુષ નહાકનો હોમાવો ન જવો જોઈએ.