પુરુષ

યુદ્ધમોરચે ફરતો રહેતો એક માથાફરેલો યુવાન

‘પથ્થર એટલાં પૂજે દેવ’ કહેવત જેવી જેને લત લાગી ગઈ છે એવો આ બ્રિટિશ યુવાન જ્યાં જ્યાં જોખમ દેખાય એવા યુદ્ધ મોારચે જાનના જોખમે પહોંચી જાય છે…!

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

કોઈ વીર-શૂરવીરની ઓળખ આપવી હોય તો આ કહેવત-ઉક્તિ અચૂક લાગુ પડે:
‘માથા સાટે માલ લાવે એ શૂરવીર’ પણ કેટલાક હિંમતબાજ એવા પણ હોય છે, જેમને સાહસના આંચકા વાર-તહેવારે લાગતા જ રહે. એમને પેલી હઠીલી હીચકી જેવું હોય છે. એક વાર શરૂ થાય પછી જલદી ન શમે. જોખમ વિશે વિચાર્યા વગર એ કોઈ પણ આફતમાં ઝંપલાવે.

આવા બધા જ ગુણ-ધર્મ ધરાવતો એક ૨૪ વર્ષી ‘મિસ્ટર ડેરડેવિલ’ બ્રિટિશ યુવાન માઈલ્સ રુટલેઝ આમ તો બેન્કિંગનો વિદ્યાર્થી છે,પણ એને આર્થિક કરતાં જોખમી સાહસ કરવાનો શોખ વધુ .
જ્યાં પણ એને ખતરો દેખાય ત્યાં એ પહેલાં પહોંચે. આવા જ એક જુસ્સામાં એણે ‘ગૂગલ’ પર લટાર મારીને શોધી કાઢ્યું કે ક્યાં યુદ્ધ અને ક્યાં ક્યાં આંતરવિગ્રહ- બળવો કે લશ્કરી ટક્કર ચાલી રહી છે આવાં ખતરું સ્થળ -દેશ શોધીને માઈલ્સ રુટલેઝે જોખમી ‘ટોપ ટેન’નું લિસ્ટ બનાવ્યું,જેમાં સહેજે અફઘાનિસ્તાનનું નામ પહેલું આવે. અફઘાન લશ્કર અને તાલિબાન ત્રાસવાદીઓ વચ્ચે સતત ટક્કર જામતી રહે છે. એમાંય વિગ્રહી તાલિબાનોએ પાટનગર કાબુલ પર બે વર્ષ પહેલાં કબજો જમાવી દીધો ત્યારે માઈલ્સ ત્યાં પહોંચી ગયો ત્યારે અફઘાન લશ્કર અને ત્રાસવાદી તાલિબાનોની અંધાધૂંધ ઝપાઝપીમાં ચાલુ હતી. તાલિબાનોએ એને કેદ કરી લીધો ત્યારે ત્યાં સપડાયેલો માઈલ્સ હિંમત ન હાર્યો. પોતે ક્યાં ફસાયો છે-આસપાસ યુદ્ધનો કેવો માહોલ છે તે વિશે એ સેલ ફોન દ્વારા પોતાના ‘ટ્વિટર’ અકાઉન્ટ પર અહેવાલ પોસ્ટ કરવા લાગ્યો. યુદ્ધ મોરચેથી અનુભવી પત્રકારો અને ફોટોગ્રાફરોને જે અહેવાલ-તસવીર મેળવીને મોકલવી મુશ્કેલ હોય એવા સતસવીર અહેવાલો માઈલ્સ રુટલેઝે મોકલવા માંડ્યો.પછી તો સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ..

આ તરફ, માઈલ્સ એના હસમુખા સ્વભાવને લીધે તાલિબાનોનો લાડકો થઈ ગયો. એને આજુબાજુ ફરવાની છૂટ પણ મળી. એ તો મોબાઈલથી ફોટા પાડીને પોતાના ‘અહેવાલ’ યુદ્ધ ક્ષેત્રથી પોસ્ટ કરતો રહ્યો. છાપાં-ટીવી ચેનલના રિપોર્ટરોને ય ઈર્ષા આવે એવી ખ્યાતિ માઈલ્સને મળવા માંડી તાલિબાનોએ પાછળથી એને મુક્તિ આપીને દુબઈ રવાના કરી દીધો. ત્યાંથી બ્રિટન પરત ફરેલા આ માથાફરેલા માઈલ્સ રુટલેઝે ત્યાર પછી એક નવા સાહસનું ઠેકાણું શોધી લીધું.યેસ માઈલ્સ અફઘાનિસ્તાન -તાલિબાન યુદ્ધ મોારચેથી સીધો યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ-તબાહી ક્ષેત્રમાં પહોંચી ગયો અને ઘટનાસ્થળેથી પોતાનો આંખેદેખ્યો સતસવીર અહેવાલ ટ્વિટર’ પર ધડાધડ પોસ્ટ કરવા લાગ્યો.

રશિયા-યુક્રેનના યુદ્ધ મોરચે કેવા હાલ-હવાલ છે એનું ચિત્ર માઈલ્સ રુટલેઝ એની ટ્વિટ્સ દ્વારા
આબાદ ઉપસાવતો રહ્યો. .યુક્રેનના પાટનગર કીવને ચોતરફ્થી ઘેરીને રશિયન આર્મી એના પર સતત હવાઈ તેમજ ડ્રોન હુમલા કરી રહ્યું હતું ત્યારે એના લેટેસ્ટ સમાચાર આ બ્રિટિશ યુદ્ધ-વીર માઈલ્સ રુટલેઝ એના સોશિયલ મીડિયા પર વહેતાં કરતો હતો. આ સમયગાળા દરમિયાન યુક્રેન સૈન્યના હસમુખા જવાનો સાથે માઈલ્સ રુટલેઝની મૈત્રી બરાબર જામી ગઈ . યુક્રેન આર્મીએ એને લશ્કરી યુનિફોર્મ ભેટ આપ્યો છે અને શક્ય હોય ત્યારે લશ્કરી ટુકડી એને યુદ્ધ વિસ્તારમાં પણ લઈ જતી.. એ વખતે માઈલ્સ યુક્રેનના મિલિટરી ગણવેશમાં સજ્જ થઈ મોઢા પર રશિયાના પ્રમુખ પુતિનનું માસ્ક પહેરી એના ચાળા પાડીને યુક્રેનના લશ્કરી જવાનોને જલસો પણ કરાવતો. સાથોસાથ બળુકા રશિયનોની સામે ઝઝૂમતા યુક્રેનના નાગરિકોની હિંમતને પણ એ બિરદાવતો. રશિયાના ભીષણ બોમ્બાર્ડિંગમાંથી બચવા યુક્રેનવાસીઓ જે રીતે બોગદા- બંકર અને હેલ્થ ક્લબની વેઈટ બેન્ચ તેમજ ટ્રેડમીલ પર રાતે સૂઈ જાય છે તે જોઈને દ્રવી ગયેલા આ ગાંડાં સાહસવીર માઈલ્સ રુટલેઝે વિવિધ સોશિયલ મીડિયા પર યુદ્ધગ્રસ્ત યુક્રેનવાસીઓના લાભાર્થે ઝુંબેશ શરૂ કરીને સારું એવું ડોનેશન પણ એકઠું કરી આપ્યું હતું.

લગભગ બે વર્ષથી સતત ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ હવે થોડું ધીમું પડ્યું છે. આમ છતાં આ જંગ કેટલો લાંબો ચાલશે એનો કોઈને અંદાજ નથી એટલે માઈલ્સ રુટલેઝ થોડા મહિના પહેલાં પોતાના વતન ઈંગ્લેન્ડ પરત ફર્યો છે.

યુક્રેન પછી માઈલ્સ ફરી કોઈ એક યુદ્ધ મોરચે જવા થનગની રહ્યો છે. એના મનમાં બે સ્થળ એવાં છે, જ્યાં એ નજીક્ના ભવિષ્યમાં જવા ઈચ્છે છે. એમાંથી એક છે ઈઝરાયલ- હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં પહોંચી જવા એ ઈચ્છે છે.

બાજી તરફ, છેલ્લાં સર્વેક્ષણ મુજબ વિશ્ર્વની ૭.૭ અબજની વસતિમાંથી આશરે ૮૨ કરોડ લોકો ગંભીર ભૂખમરાથી પીડાય છે.આમાં સોમાલિયાની હાલત સૌથી બદતર છે.

માઈલ્સ રુટલેઝના સાહસ લિસ્ટમાં આ સોમાલિયાનું નામ પણ છે.એ ત્યાં જઈને સ્થાનિક લોકોને ભૂખમરામાંથી ઉગારવા માટે સહાયતાની કામગીરી બજાવવા ઉત્સુક છે. માઈલ્સ રુટલેઝને મન દારુણ ભૂખમરા સામે લડવું એ પણ એક સાહસ-યુદ્ધ જ છેને..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button