ધારો કે તમને અચાનક KBC શૉમાંકરોડો રૂપિયાનું ઈનામ મળી જાય તો…?!
આ રોચક કલ્પના જો ખરેખર સાચી પડે તો આ રીતે આવેલી અણધારી લક્ષ્મીને કઈ રીતે સાચવવી ને ધારો કે એ લક્ષ્મી અચાનક ચાલી જાય તો શું?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી
*‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી …જવાબ તો દેના હોગા!’
*પાંચ કરોડનો વિજેતા સુશીલ કુમાર: કયા સે કયા હો ગયા…!
એક જાણીતી હિંદી કહેવત છે: ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ..’ અચાનક દલ્લો મળે-લક્ષ્મીની તમારા પર કૃપા કરશે તો ન કલ્પેલો આનંદ જરૂર થાય, પણ ફાટાંબાજ કુદરત કયારેક છાપરું ફાડી દીધા પછી એવી રૂઠે કે ઘેર આવેલી જંગી ઈનામ લક્ષ્મી કયારેક રિસાઈ પણ જતી રહે અને પેલું તૂટેલું છાપરું રિપેર કરવાની રકમ પણ તમારી પાસે ન રહે !
આપણે ઘેર લક્ષ્મીનું આગમન વિભિન્ન રીતે થઈ શકે, જેમ કે ન ધારેલી લૉટરી લાગે અથવા તો વસિયતમાં કોઈ આપણા નામે જંગી રકમ મૂકી જાય, કે પછી કોઈ રેસના શોખીનને જેકપોટ લાગે અથવા તો કોઈ અમિતાભના અતિ લોકપ્રિય ટેલિવિઝન શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)માં વિજેતા ઠરે તો એ ચોક્કસ ન્યાલ થઈ જાય..
આવી એક-બે સાવ વિરોધાભાસી ઘટના જાણવા જેવી છે. લોસએન્જિલિસમાં રહેતી લાક્વેડ્રા નામની એક લેડી સુપર માર્કેટમાં શોપિંગ માટે ગઈ હતી. ત્યાં એણે લૉટરીનું વેન્ડિંગ મશીન જોયું. જસ્ટ નસીબ અજમાવવા એને ૧૦ ડૉલરની ટિકિટ લેવી હતી.
એ મુજબ મશીનની કી-કળ દબાવવા ગઈ ત્યાં પાછળથી કોઈ વ્યક્તિ એને ધક્કો મારીને આગળ ચાલી ગઈ. આ રીતે ધક્કો વાગતા ૧૦ ડોલરના બદલે લેડીનો હાથ ૩૦ ડૉલરની લૉટરીની ચાંપ પર અકસ્માતે દબાઈ ગયો. પેલીએ ન છૂટકે ૩૦ ડૉલરની લૉટરી ખરીદવી પડી. એ ઈન્સ્ટંટ સ્ક્રેચ લોટરી હતી. લેડીએ ટિકિટનો નંબર સ્ક્રેચ કર્યો-ઘસ્યો તો એ ૧૦ મિલિયન ડૉલર – આશરે ૭૬ કરોડ રૂપિયાનો એ વિજયી નંબર હતો! આમ એક અજાણ્યાના ધક્કાએ પેલી લેડીને કરોડો જીતાડી દીધા..!
આવા તો અનેક કિસ્સા છે કે લૉટરી જીત્યા પછી કાં તો બેદરકારીથી વિજેતા ટિકિટ ફગાવી દે – ખોઈ નાખે કે પછી અકસ્માતે કપડાંની સાથે વોશિંગ મશીનમાં ધોઈ નાખે! અહીં આપણા જીવનમાં અચાનક આવતી લક્ષ્મી કે સમૃદ્ધિને કઈ રીતે સાચવવી-એની જાળવણી કરવી એ મહત્ત્વનો મુદ્દો છે. પત્રકારોનો એક માનીતો પ્રશ્ર્ન છે: ‘ધારી લો કે તમને બે-પાંચ કરોડ રૂપિયાની રકમ લૉટરી કે કોઈ ઈનામમાં મળી જાય તો શું કરો?’
એ વખતે તો લોકોનો આવા ‘ધારી લો’ પ્રકારના પ્રશ્ર્નનો જવાબ મોટેભાગે ‘આદર્શવાદી’ વધુ હોય છે, પરંતુ વાસ્તવમાં એનો અમલ ભાગ્યે જ થાય છે. છેલ્લાંમાં છેલ્લાં એક વૈશ્ર્વિક સર્વેક્ષણ અનુસાર: લોટરી કે અન્ય રીતે મળેલી જંગી રકમ (૧ મિલિયન – દશ લાખ હોય કે પછી ૫૦૦ મિલિયન)ના ૭૦ % વિજેતા એ બધી જ રકમ પાંચ વર્ષમાં આડેધડ ખર્ચમાં કે પછી ખોટા વિલાસી શોખ કે રોકાણમાં વેડફી નાખીને પૈસેટકે પાયમાલ થઈ જાય છે.
આપણે ત્યાં આકસ્મિક લક્ષ્મીનું શ્રેષ્ટ ઉદાહરણ છે – મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ટેલિવિઝન શૉ ‘કૌન બનેગા કરોડપતિ’. હમણાં બે દિવસ પહેલાં જ- આ ૧૨ ઑગસ્ટના એની ૧૬મી સિઝન શરૂ થઈ ગઈ છે. લૉટરી કે જેકપોટ જીતો એમાં નસીબનો પૂરેપૂરો સાથ તમને મળે. એમાં કોઈ પરસેવો પાડવો પડતો નથી – ‘મોં ઉઘાડો ને પતાસું પડે’ જ્યારે અમિતાભજીના આ રિયાલિટી શૉમાં તમારું સામાન્ય જ્ઞાન-બુદ્ધિમત્તા અને હૈયાસૂઝ કામ કરી જતી હોય છે. KBCની ઈનામી રકમ કોઈ પણ સ્પર્ધક માટે બડીં લોભાવનારી હોય છે. ૨૦૦૦ની સાલમાં ઊંઇઈની પહેલી સિઝનમાં વિજેતા માટે ઈનામી રકમ હતી રૂપિયા એક કરોડ. પછી તો એ વીતતાં વર્ષોથી ક્રમશ: ૧ કરોડમાંથી બે-પાંચ-સાત કરોડા અને અત્યારે પ્રાઈસ મની છે રોકડા સાડા સાત કરોડ!
જેમ આપણને બધાને ‘કૌન બનેગા’ની પ્રથમ સિઝનના ૧ કરોડના યુવા વિજેતા હર્ષવર્ધન નવાધેનો ખુશખુશાલ ચહેરો હજુય યાદ છે તેમ એ પછીના વિજેતાઓની વચ્ચ્ચે ઊંઇઈની પાંચમી સિઝનના રૂપિયા પાંચ કરોડના વિજેતા સુશીલ કુમારની જીવનઘટના પણ યાદ રાખવા જેવી છે. લક્ષ્મી આવીને હાથમાંથી કેવી સરી જાય છે એનો સબક લેવા જેવું – શીખવા જેવું ઉદાહરણ આ સુશીલ કુમારનું છે. ઊંઇઈમાં પાંચ કરોડ જીત્યા પછી, સુશીલ કુમારના જીવાનમાં નાટ્યાત્મક વળાંક આવ્યા. બિહારનો આ એક સામાન્ય કમ્પ્યુટર ઓપરેટર રાતોરાત આ રીતે શ્રીમંત થઈ જતા દેશભરમાં જાણેતો થઈ ગયો. તાજી તાજી સંપત્તિ અને ખ્યાતિની સાથે એ અનેક લોકો-અનેક સંસ્થાના પરિચયમાં આવ્યો. સંખ્યાબંધ જાહેર કાર્યક્રમોમાં એ હાજર રહેવા માંડ્યો. સહજ-સરળ સ્વભાવનો સુશીલ દાનવીર બની ગયો. પ્રસિદ્ધિના મોહમાં એ ‘દાનવીર કર્ણવીર’ના રોલમાં આવી ગયો. સગાં-સંબંધી અને અનેક કહેવાતી સમાજસેવાની સંસ્થાઓની છેતર પિંડીનો એ ભોગ બનવા માંડ્યો. વ્યવહાર કુશળતાનો અભાવ અને એના ‘ઉડાઉ’ દાનવીર સ્વભાવને કારણે પત્ની સાથેના સંબંધ વણસતા ગયા. લગ્ન જીવનમાં તિરાડ પડવા લાગી… આની તાણ હેઠળ એના કહેવાતા ‘શુભેચ્છકો’ને કારણે સુશીલ કુમાર દારૂ-ધૂમ્રપાનમાં અને પછી નશીલાં દ્રવ્ય-ડ્રગ્સની લત તરફ ધકેલાયો..આ બધા વચ્ચે એની આર્થિક સ્થિતિ બદતર થતી ગઈ…
અમિતાભજીની આર્થિક કટોકટી વખતે એમની પાસે દૂધવાળાને પણ દેવાના પૈસા નહોતા રહ્યા એ જ અમિતજીના હસ્તે પાંચ કરોડનું ઈનામ જીતનારા સુશીલ આખરે એવો દેવાળિયો થઈ ગયો કે ઘેરઘેર દૂધ વેચીને એ પોતાનું ઘર ચલાવતો થઈ ગયો!
છેલ્લા મળતા અહેવાલો અનુસાર બિહારના મોતીહરી શહેરના સુશીલ કુમારની સાન હવે ઠેકાણે આવી પછી એ અત્યારે એક શાળામાં શિક્ષકની જોબ કરી રહ્યો છે. સાથેસાથે એ પર્યાવરણ ક્ષેત્રમાં સક્રિય છે…
સુશીલ કુમારનો આ કિસ્સો જાણ્યા પછી હવે ધારી લો કે ખરેખર તમને રૂપિયા એકાદ કરોડ કે એથી વધુ રકમનો દલ્લો મળી જાય ત્યારે હકીકતમાં શું કરવું જોઈએ?
આર્થિક નિષ્ણાતો અને કુશળ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એક બરછટ છતાં સચોટ સલાહ એ આપે છે કે ‘લોટરી વિજેતા કંઈ આપોઆપ સ્માર્ટ – અચ્છો રોકાણકાર નથી બની જતો..! માથા પર બરફની પાટ મૂકીને એણે શાંતિથી અચાનક આવેલી તગડી રકમ- મૂડી ક્યાં રોકવી એનો વિચાર કરવો પડે અને એ મુજબ આયોજન પણ કરવું પડ…’
મોટી રકમ હાથમાં આવે એટલે સહેજે કોઈને પણ વિચાર આવે કે એને કોઈ સારી સ્કિમમાં રોકીને રકમનો ગુણાકાર કરીએ. કેટલાંક આર્થિક નિષ્ણાત કહે છે કે આવી તાજી ધનપ્રાપ્તિ વખતે શ્રેષ્ઠ માર્ગ એ છે કે એ નાણાંનો ગુણાકાર કરવાની લાલચ બાજુ એ ધકેલીને એને બૅન્કના ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટમાં અમુક નિયત સમય સુધી મૂકી દો આથી નવાં નાણાને તાબડતોબ કામે લગાડવાની લાલચથી બચશો ને અમુક સમય પછી બની શકે કે બચત બમણી કરવાનું યોગ્ય માર્ગદર્શન તમને કોઈ અનુભવી આર્થિક નિષ્ણાત પાસેથી પણ તમને મળી જાય.
લક્ષ્મીજીની આવી આક્સ્મિક પ્રાપ્તિ પછી બીજું ભયસ્થાન, જે મોટા ભાગનાને નડે છે એ છે રાતોરાત ફૂટી નીકળતા તમારા કહેવાતા નજીકના સગાં-વહાલાં ને ‘બાળપણ’ના મિત્રો! એમની ‘કટોકટી’ વખતે તમે એના ‘લાઈવ- જીવંત અઝખ’ છો. સચુકલી તકલીફમાં હોય એવા સંબંધી-મિત્રને મદદ કરવી ગમે ને કરવી પણ જોઈએ, પણ તાત્કાલિક અને આડેધડ આર્થિક સહાય કરવા જ્તાં-એમના ‘તારણહાર’ કે ‘મોટાભા’ થવા જતાં ભંડાર તો કુબેરનાય ખૂટી જાય..!
હા, તમને લાગે કે આ મિત્ર-સ્વજનને આર્થિક મદદની ખરેખર જરૂર છે તો એને જરૂર મદદ કરજો. સમયસરની સહાયતા બની શકે કે એમના માટે અમિતાભના પેલા ઊંઇઈ શૉ જેવી ‘લાઈફલાઈન’ પણ બની જાય!
આમ લૉટરી- જેકપોટ કે પછી વારસામાં મળેલી અણધારી આવકનો સદુપયોગ કઈ રીતે કરવો એ મુંબઈના ગૌરવ મશરુવાળા પાસેથી જાણવા જેવું છે.
ગૌરવભાઈ ભારતના ફર્સ્ટ બેચના સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર તરીકે પંકાયેલા છે. અચાનક તમારા પર મા લક્ષ્મીની અમીદૃષ્ટિ થાય ત્યારે યોગ્ય આયોજન દ્વારા કઈ રીતે સંપત્તિનું વિશેષ સર્જન કરી એને સુરક્ષિત રાખવી એનું સચોટ અને મુદ્દાસર માર્ગદર્શન ગૌરવભાઈ આપે છે.
એ કહે છે: ‘અણધારી સંપત્તિ મળે ત્યારે આપણી ધરબાયેલી ઈચ્છાઓ આળસ મરડીને બેઠી થાય. એમાં કશું ખોટું નથી. વૈભવી કાર લેવાની ઈચ્છા થાય – મોટો ફ્લેટ લેવાનું મન થાય-વિદેશ પ્રવાસનું અધૂરું સપનું પૂરું કરવાની પણ લાલચ જાગે.. આ બધુ સહજ છે, પણ પહેલું કામ તમારી કોઈ પણ પ્રકારની લોન હોય કે તેના હપ્તા ચાલતા હોય તો એને વહેલી તકે પરત કરી એનાં વિષચક્રમાંથી બહાર આવી જાય યોગ્ય જગ્યાએ મૂડીરોકાણ કરો..આવે વખતે ‘આર્થિક આઝાદી મળે એટલે ભલભલાને શેરબજારમાં શૂરવીર થવાનું ભૂત ભરાય. સ્ટોક માર્કેટની આંટીઘૂંટીથી તમે માહિતગાર હો તો ઠીક, બાકી તેજીવાળા શેરની લે-વેંચમાં ચીલઝડપ બતાવાને બદલે તમારી નવી સંપત્તિનું આયોજનમાં કોઈ સારા ફાઈનાન્સિયલ પ્લાનરનું માર્ગદર્શન લો…’
-અને આની સાથોસાથ ગૌરવ મશરુવાળા એ પણ તાકીદ કરે છે કે તમે જો કાર્ય-નિવૃત્તિકાળ તરફ આગળ વધી રહ્યા હો તો આગામી એ વર્ષોની નિયમિત આવક તેમ જ વૃદ્ધાવસ્થાની માંદગીને ધ્યાનમાં રાખીને હેલ્થ ઈન્શ્યુરન્સ-વીમાની પણ આગોતરી તૈયારી કરી રાખવી જોઈએ…
અહીં KBCની આ તાજી સિઝનમાં અમિતજી બધાને બધાને કહે છે: ‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી …જ્વાબ તો દેના હોગા!’
અચાનક જ્ંગી રકમના વિજેતાએ આ વાત યાદ તો રાખવી પડે કે અચાનક મળેલાં દલ્લાથી જીવનને વૈભવી જરૂર બનાવો, પણ એનાથી છકીને વિલાસી નહીં! ( સંપૂર્ણ )