મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પતી ગયું. ઝારખંડમાં તો પહેલા તબક્કાનું મતદાન પહેલાં જ પતી ગયેલું ને બુધવારે બીજા તબક્કાનું મતદાન હતું. સાથે સાથે ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની બેઠકો માટે પણ પેટાચૂંટણી હતી. છૂટકપૂટક હિંસાને બાદ કરતાં આ બધે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું ને હવે સૌની નજર ૨૩મી નવેમ્બરે જાહેર થનારાં પરિણામો પર છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ એ બંને વિધાનસભાની સાથે સાથે પેટાચૂંટણી હતી એ લોકસભા અને રાજ્ય વિધાનસભાની બેઠકોની મતગણતરી એક સાથે ૨૩મી નવેમ્બરે થવાની છે ને તેમાં કોણ જીતે છે તેના પર સૌની નજર છે.
લોકસભાની ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા એ બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી પણ જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા બંને ટચૂકડાં રાજ્યો હોવાથી તેનાં પરિણામોએ એટલી ઉત્તેજના નહોતી જગાવી. મહારાષ્ટ્ર અને ઝારખંડનો કેસ અલગ છે.
Also Read – નિવારી શકાય એવી બીમારીઓમાં પુરુષ ન હોમાવો જોઈએ!
મહારાષ્ટ્ર દેશનું ઉત્તર પ્રદેશ પછી બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. યુપીમાં લોકસભાની ૮૦ બેઠકો છે જ્યારે મહારાષ્ટ્રમાં ૪૮ બેઠકો છે તેથી કેન્દ્રમાં સત્તાસ્થાને કોણ રહેશે એ નક્કી કરવામાં મહારાષ્ટ્ર ચાવીરૂપ રાજ્ય છે. મહારાષ્ટ્રની સરખામણીમાં ઝારખંડ બહુ મોટું રાજ્ય નથી પણ ઝારખંડમાં ૧૪ લોકસભા બેઠકો છે તેથી તેને અવગણી પણ ના શકાય.
૧૪ લોકસભા બેઠકો સાથેનું રાજ્ય પણ નિર્ણાયક બની શકે છે તેથી ઝારખંડના મહત્ત્વને ઓછું ના આંકી શકાય.
જોકે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેનું રાજકીય રીતે બીજી રીતે મહત્ત્વ વધારે છે. આ બંને રાજ્યોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધારી સફળતા નહોતી મળી તેથી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે.
ઝારખંડમાં લોકસભાની ૧૪ બેઠકોમાંથી ભાજપને ફાળે ૯ બેઠકો ગઈ હતી. કૉંગ્રેસને ૨ અને જેએમએમને ૩ બેઠકો મળી છે. ભાજપનો હાથ ઉપર રહ્યો હતો પણ ભાજપે ૨૦૧૯માં માત્ર એક જ બેઠક ગુમાવી હતી તેની સરખામણીમાં ભાજપનો દેખાવ નબળો કહેવાય. ઝારખંડમાં ભાજપે ૨૦૧૯માં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના બનેલા મહાગંઠબંધનનાં સૂપડાં સાફ કરી નાખેલાં.
ભાજપ ૨૦૨૪માં એ દેખાવ દોહરાવી ના શક્યો તેથી તેની સ્થિતિ નબળી પડી કે નહીં તેનો નિર્ણય આ ચૂંટણીમાં થવાનો છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં જબરદસ્ત દેખાવ છતાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના બનેલા મહાગંઠબંધનને હરાવી નહોતો શક્યો અને હેમંત સોરેનના નેતૃત્વમાં જેએમએમ-કૉંગ્રેસ, આરજેડીની સરકાર બની કે જે પાંચ વર્ષ પૂરાં કરી ચૂકી છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૨ બેઠકો મળી હતી તેથી ભાજપની ૩ બેઠકો ઘટી છે પણ એ છતાં ૧૪માંથી ૯ બેઠકો જીત્યા પછી ભાજપને લાગે છે કે, જેએમએમ-કૉંગ્રેસ-આરજેડી અને ડાબેરી પક્ષોના ઈન્ડિયા મોરચાને હરાવી શકાય છે અને સત્તા કબજે કરી શકાય છે.
ભાજપે લોકસભાની ચૂંટણીમાં જેએમએમને પછાડવા હેમંત સોરેનને જેલભેગા કરી દીધેલા. ભાજપની ગણતરી હેમંત સોરેન જેલમાં હોય ત્યારે જ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પતાવી દેવાની હતી પણ હાઈકોર્ટે હેમંતને જામીન આપી દેતાં ભાજપનો ખેલ બગડી ગયો. હેમંત પાછા મુખ્યમંત્રી બની ગયા અને જેએમએમની કમાન પાછી સંભાળી એ સાથે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં બાજી પલટાઈ ગઈ એવું કૉંગ્રેસ સહિતના પક્ષો માને છે.
કૉંગ્રેસ સહિતના પક્ષોના મતે, પહેલાં આ જંગમાં ભાજપનું પલ્લું ભારે હતું કેમ કે હેમંત સોરેન ભ્રષ્ટાચારના આરોપો બદલ જેલમાં હતા. હેમંતને જામીન આપતી વખતે હાઈકોર્ટે જે કંઈ કહ્યું તેના કારણે હવે બાજી પલટાઈ ગઈ છે. હેમંત જોરમાં છે કેમ કે એક રીતે હાઈકોર્ટે હેમંત સોરેનને ક્લીન ચીટ જ આપી દીધી.
આ કારણે જેએમએમ પાસે હેમંત સોરેનને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારની શક્તિશાળી એજન્સીઓએ તેમને સીએમ પદેથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું એવો મુદ્દો ચગ્યો છે તેનો ફાયદો પોતાને મળશે એવું કૉંગ્રેસને લાગે છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ ૨૦૧૯ કરતાં પણ ખરાબ છે તેથી ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના બનેલા મહાગંઠબંધનને ફરી સત્તામાં આવતો રોકી શકશે નહીં એવું પણ કૉંગ્રેસને લાગે છે.
ભાજપ અને કૉંગ્રેસમાંથી કોની માન્યતા સાચી પડે છે એ જોવાનું છે.
મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ ઝારખંડ કરતાં પણ વધારે નાજુક હોવાનું મનાય છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ઈન્ડિયા મોરચાને ૩૦ અને એનડીએને ૧૭ બેઠકો મળી હતી. એનડીએમાં ભાજપને ૯, શિવસેનાને ૭ અને અજિત પવારની એનસીપીને માત્ર ૧ સીટ મળી છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એનડીએને ૪૧ બેઠકો મળી હતી જ્યારે ૨૦૧૪માં તેને ૪૨ બેઠકો મળી હતી. આમ ૨૦૨૪માં ભાજપના નેતૃત્વ હેઠળના મોરચાએ ૨૩ બેઠકો ગુમાવી છે.
લોકસભા ચૂંટણીના આધારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હારી જશે એવું મનાતું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લોકસભા ચૂંટણી જેવો ટ્રેન્ડ રહે તો ભાજપને નુકસાન થાય અને ભાજપની લગભગ ૬૦ બેઠકો સુધી ઘટી જાય એવી ગણતરી છે. વિપક્ષી ગઠબંધનના સર્વેમાં અને કેટલાક મીડિયાના સર્વેમાં પણ ઈન્ડિયા મોરચાને ૧૬૦ બેઠકો મળવાનો અંદાજ છે.
ભાજપને શિવસેના સાથેનું જોડાણ તોડવાના કારણે નુકસાન ગયું છે, ૨૦૧૯માં ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું અને બંને સાથે મળીને લડતાં ભાજપે ૧૦૫ અને શિવસેનાએ ૫૬ બેઠકો જીતી હતી. બીજી તરફ ભાજપ વિરોધી ગઠબંધનમાંથી એનસીપીને ૫૪ અને કૉંગ્રેસને ૪૪ બેઠકો મળી હતી. ભાજપ-શિવસેના આસાનીથી સત્તામાં આવી શકે તેમ હતાં પણ મતભેદના કારણે ગઠબંધન તૂટી ગયું અને કૉંગ્રેસ-એનસીપીના ટેકાથી ઉદ્ધવ ઠાકરે સત્તામાં આવેલા.
ભાજપે એ પહેલાં ૨૩મી નવેમ્બર, ૨૦૧૯ ના રોજ સરકાર રચવાનો પ્રયત્ન કરેલો. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન અને અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા પણ એનસીપીમાં ભંગાણ ના પાડી શકતાં વિશ્ર્વાસના મત પહેલા ૨૬મી નવેમ્બરે રાજીનામું આપી દીધું હતું.
૨૮મી નવેમ્બરે શિવસેના (અવિભાજિત), એનસીપી (અવિભાજિત) અને કૉંગ્રેસની મહાવિકાસ અઘાડી સત્તા પર આવી અને ઉદ્ધવ મુખ્યપ્રધાન બન્યા. એ પછી ભાજપે એકનાથ શિંદેને સાધીને શિવસેનામાં ભંગાણ પડાવ્યું અને પછી અજિત પવારને તોડીને એનસીપીમાં પણ ભંગાણ પડાવ્યું.
ભાજપને આ ભંગાણ ના ફળ્યું અને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થયો. આ બેકગ્રાઉન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ માટે લોકસભાની ચૂંટણીથી અલગ પરિણામો લાવવાનો મોટો પડકાર છે.