ગુવાહાટીઃ આસામનું ગુવાહાટી શહેર રાજસ્થાન રૉયલ્સનું આ વખતે હોમ-ગ્રાઉન્ડ છે અને ત્યાં મેઘરાજાની `મહેરબાની' બાદ મૅચ લગભગ એક કલાક મોડી શરૂ થયા પછી રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુએ નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 201 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન રજત પાટીદાર (63 રન, 40 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરીને લીધે પછીથી ટીમનો સ્કોર 200ના આંકડાને પાર થઈ શક્યો હતો.
રાજસ્થાનના બોલર્સ જોફ્રા આર્ચર (33 રનમાં બે વિકેટ) તથા રવિ બિશ્નોઈ (32 રનમાં બે વિકેટ)ના પડકાર વચ્ચે પાટીદારે (Patidar) રોમારિયો શેફર્ડ (બાવીસ રન, 11 બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે સાતમી વિકેટ માટે 31 રનની અને વેન્કટેશ ઐયર (29 અણનમ, 15 બૉલ, બે સિક્સર, એક ફોર) સાથે આઠમી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. બ્રિજેશ શર્માએ 37 રનમાં બે વિકેટ તેમ જ રવીન્દ્ર જાડેજા અને સંદીપ શર્માએ એક-એક વિકેટ મેળવી હતી.
PTI
18મી ઓવરમાં પાટીદાર આઉટ થયો ત્યારે બેંગ્લૂરુ (Bengaluru)નો સ્કોર 166 રન હતો, પણ છેલ્લે વેન્કટેશ અને ભુવનેશ્વર કુમાર (નવ અણનમ)ની જોડીએ અણનમ 35 રનની અતૂટ પાર્ટનરશિપ કરીને ટીમને 200 રનને પાર પહોંચાડી હતી.
મૅચ મોડી શરૂ થયા બાદ બેંગ્લૂરુએ બૅટિંગ મળ્યા પછી પહેલા જ બૉલમાં ફિલ સૉલ્ટની વિકેટ ગુમાવી હતી. વિરાટ તથા દેવદત્ત પડિક્કલ વચ્ચે 45 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ 45મા રને પડિક્કલ (14 રન) આઉટ થયા બાદ વિકેટની લાઇન લાગી હતી. 58મા રનના કુલ સ્કોર પર વિરાટ, 62મા રને કૃણાલ પંડ્યા અને 76મા રને જિતેશ શર્મા આઉટ થયો હતો. ટિમ ડેવિડ (13 રન) પણ સસ્તામાં આઉટ થયો હતો.