15 વર્ષીય ઓપનરે 93માંથી 88 રન છગ્ગા-ચોગ્ગામાં જ બનાવ્યા, સેન્ચુરી ચૂકી ગયા પછી રડી પડ્યો
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)એ અહીં મંગળવારે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને મહત્ત્વપૂર્ણ લીગ મૅચમાં સાત વિકેટે હરાવીને પ્લે-ઑફની વધુ નજીક પહોંચવામાં સફળતા મેળવી હતી. બેંગ્લૂરુ, ગુજરાત અને હૈદરાબાદ પ્લે-ઑફમાં પહોંચી ગયા છે અને છેલ્લા (ચોથા) સ્થાન માટે પંજાબ, રાજસ્થાન તેમ જ નહીંવત સંભાવના ધરાવનાર દિલ્હી, ચેન્નઈ, કોલકાતા સહિત જે પાંચ ટીમ વચ્ચે તીવ્ર હરીફાઈ હોવાનું કહેવાતું હતું એમાં રાજસ્થાનની સંભાવના આ વિજયને લીધે વધી ગઈ છે.
પૉઇન્ટ્સમાં રાજસ્થાને પંજાબને ઓવરટેક કર્યું છે. પંજાબ પહેલી વખત ટૉપ-ફોરની બહાર આવ્યું છે. લખનઊએ પાંચ વિકેટે 220 રન બનાવ્યા પછી રાજસ્થાને 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 225 રન કર્યા હતા. 15 વર્ષના વૈભવ સૂર્યવંશી (93 રન, 38 બૉલ, દસ સિક્સર, સાત ફોર) સામે લખનઊની ટીમે ઘૂંટણિયા ટેકવ્યાં હતાં. તે આ વખતની ટૂર્નામેન્ટમાં બીજી સદી ચૂકી ગયો હતો, પરંતુ સૌથી વધુ નવાઈ એ વાતની છે કે તેણે 93માંથી 88 રન છગ્ગા-ચોગ્ગામાં જ બનાવ્યા હતા. તે સદી ચૂકી જતાં રડી પડ્યો હતો.
RR
વૈભવે કાર્યવાહક સુકાની અને સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ (23 બૉલમાં 43 રન) સાથે 75 રનની અને પછી વિકેટકીપર ધ્રુવ જુરેલ (53 અણનમ, 38 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) સાથે બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. વૈભવની આ બે મોટી ભાગીદારીએ લખનઊની ટીમને ક્યારેય બેઠી જ નહોતી થવા દીધી. જુરેલ સાથે ફરેરા 16 રને અણનમ રહ્યો હતો. લખનઊના આકાશ સિંહ, મોહસિન ખાનને એક-એક વિકેટ મળી હતી.
માર્શ સતત બીજી મૅચમાં સદી ચૂક્યો
એ પહેલાં, લખનઊએ 20 ઓવરમાં પાંચ વિકેટે 220 રન બનાવ્યા હતા. ઓપનર મિચલ માર્શ (96 રન, 57 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર) સતત બીજી મૅચમાં સદી ચૂકી ગયો. તેને રાજસ્થાનના કાર્યવાહક સુકાની યશસ્વીએ સીધા થ્રોમાં રનઆઉટ કર્યો હતો.
IPL
માર્શ ધીમું ન રમ્યો હોત તો આ વખતની ટૂર્નામેન્ટમાં તેની બીજી સેન્ચુરી થઈ શકી હોત અને લખનઊનું ટોટલ વધુ મોટું હોત. માર્શ 15મી મેએ ચેન્નઈ સામેની મૅચમાં 90 રનના સ્કોર પર રનઆઉટ થઈ ગયો હતો.
ત્રણમાંથી બે વિકેટ રાજસ્થાનના પુન્જાની
માર્શની વિકેટ પહેલાં માર્શની જ ભૂલને કારણે રિષભ પંતે (35 રન, 23 બૉલ, બે સિક્સર, બે ફોર) રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. એ પહેલાં માર્શ અને સાથી ઓપનર જૉશ ઇંગ્લિસ વચ્ચે (60 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે માત્ર 50 બૉલમાં 109 રનની ભાગીદારી થઈ હતી. લખનઊની ઇનિંગ્સના અંતિમ બૉલમાં નવા બૅટ્સમૅન આયુષ બદોની (0)એ વિકેટ ગુમાવી હતી. રાજસ્થાનના લેગ-સ્પિનર યશરાજ પુન્જાએ બે વિકેટ અને જોફ્રા આચરે એક વિકેટ લીધી હતી.
બુધવારે કઈ મૅચ?
મુંબઈ વિરુદ્ધ કોલકાતા
ઈડન ગાર્ડન્સમાં, સાંજે 7.30