ભારતીય રેલવે એટલે કે ઈન્ડિયન રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. સમયની સાથે સાથે આ ભારતીય રેલવેનો ચહેરો બદલાઈ રહ્યો છે. ઈન્ડિયન રેલવે દ્વારા પ્રવાસીઓ અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ખાસ સુવિધા આપવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો ખુબ ચર્ચાઈ રહ્યો છે, જેમાં ચાલતી ટ્રેનમાં એક ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ચાલો જોઈએ શું છે આખી ઘટના...
ભારતીય રેલવેના 'ઓપરેશન માતૃશક્તિ' હેઠળ બનેલી આ ઘટના ખરેખર માનવતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન જ્યારે તબીબી સુવિધાઓનો અભાવ હોય, ત્યારે રેલવે સુરક્ષા દળ (RPF) ના જવાનોએ જે રીતે સ્થિતિ સંભાળી તે ખરેખર પ્રશંસનીય છે. પુણે-સુપૌલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના રહેવાસી રૂખસાના ખાતૂનને ચાલુ ટ્રેનમાં અચાનક લેબર પેઈન શરૂ થયું હતું.
ઘટનાની માહિતી મળતાની સાથે જ અહિલ્યાનગર પોસ્ટના કોન્સ્ટેબલ સોમનાથ પાઠાળે અને હેડ કોન્સ્ટેબલ વિશ્વજીત કાકડે તાત્કાલિક મદદ માટે પહોંચ્યા હતા. તેમણે અન્ય મુસાફરોની મદદથી કોચમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કર્યું અને રૂખસાના નામની મહિલા પ્રવાસીને પ્રાથમિક સહાય પૂરી પાડી હતી.
સુરક્ષિત પ્રસૂતિ: જવાનોની સૂઝબૂઝ અને ધૈર્યને કારણે રૂકસાનાએ ચાલુ ટ્રેનમાં જ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. આ સમાચાર સાંભળતા જ આખા ડબ્બામાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. પ્રસૂતિ બાદ રેલવે વહીવટીતંત્ર દ્વારા સ્ટેશન પર 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા માતા અને નવજાત બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ બંને સંપૂર્ણ સ્વસ્થ છે.
શું છે 'ઓપરેશન માતૃશક્તિ'?
ભારતીય રેલવે દ્વારા મુસાફરી દરમિયાન ગર્ભવતી મહિલાઓની સુરક્ષા અને તાત્કાલિક સહાય માટે આ ખાસ અભિયાન ચલાવવામાં આવે છે. આ અંતર્ગત RPF ના જવાનોને આવી કટોકટીની પરિસ્થિતિઓમાં પ્રસૂતિ કરાવવા અથવા તબીબી મદદ પહોંચાડવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. આરપીએફ જવાનોની આ વીરતા અને સેવાની ભાવનાને સો-સો સલામ!