Fri May 29 2026

Logo

ઉત્તર કોરિયાએ AI આધારિત પરમાણુ મિસાઇલોનું કર્યું પરીક્ષણ, અમેરિકા-દક્ષિણ કોરિયાની ચિંતા વધી

Seoul   2 days ago
Author: Vimal Prajapati
Article Image

સિઓલ: વૈશ્વિક પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણની પરવા ઉત્તર કોરિયા ક્યારેય કરતું નથી, તેનો વધુ એક પુરાવો પ્રકાશમાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય ડર વિના ઉત્તર કોરિયાએ ફરી એકવાર પોતાની સૈન્ય તાકાતનું મોટું પ્રદર્શન કર્યું છે. ઉત્તર કોરિયાએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે, તેણે તેના તાજેતરના હથિયાર પરીક્ષણોમાં અદ્યતન સૈન્ય ટેકનોલોજી અને નવી ન્યુક્લિયર હથિયાર પ્રણાલીઓનું સફળ પરીક્ષણ કર્યું છે. સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘાતક પરીક્ષણોની દેખરેખ દેશના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને પોતે કરી હતી.

કયા આધુનિક હથિયારોનું પરીક્ષણ કરવામાં આવ્યું?

ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ લોન્ચિંગ દરમિયાન સેનાએ યુદ્ધના મેદાનમાં સીધો ઉપયોગ કરી શકાય તેવા હથિયારો ચકાસ્યા છે.  પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતી ક્રૂઝ મિસાઇલો, જેમાં પ્રહાર સચોટ રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ગાઇડન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. ખાસ કરીને યુદ્ધ દરમિયાન પરમાણુ હુમલા માટે ડિઝાઇન કરાયેલી નવી બેલિસ્ટિક મિસાઇલો અને અત્યંત સચોટ નેવિગેશન સિસ્ટમથી સજ્જ નવું રોકેટ આર્ટિલરી લોન્ચર સિસ્ટમ ( 240 mm રોકેટ આર્ટિલરી)નું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે.

આ મામલે દક્ષિણ કોરિયાએ શું કહ્યું? 

કિમ જોંગ ઉને ખાસ કરીને ક્રૂઝ મિસાઇલ સિસ્ટમના પ્રદર્શન પર ભારે સંતોષ વ્યક્ત કર્યો છે. આ હથિયારો દક્ષિણ કોરિયાની સરહદ નજીક તૈનાત લાંબી રેન્જની આર્ટિલરી યુનિટ્સને સોંપવાની તૈયારી ચાલી રહી છે. દક્ષિણ કોરિયાની સેના (Joint Chiefs of Staff) ના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાએ તેના પશ્ચિમી દરિયાઈ ક્ષેત્ર તરફ એક દિવસ પહેલા જ કેટલીક મિસાઇલો અને શંકાસ્પદ પ્રોજેક્ટાઈલ દાગ્યા હતા. જેમાંથી એક શોર્ટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ આશરે 80 કિલોમીટર સુધી ગઈ હોવાનું ટ્રેક કરાયું હતું. જો કે, દક્ષિણ કોરિયા સરહદ પરની સ્થિતિને જોતા હજુ પણ હાઈ એલર્ટ પર છે.

કિમ જોંગ ઉને સૈન્ય બેઠકમાં શું નિર્દેશ આપ્યો?

સંરક્ષણ નિષ્ણાતોના મતે કિમ જોંગ ઉનની વિદેશ નીતિ હવે રશિયા તરફ વધુ નમી રહી છે. યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાને ઉત્તર કોરિયા તરફથી હજારો સૈનિકો અને દારૂગોળો મળી રહ્યો છે, જેના બદલામાં પ્યોંગયાંગને આધુનિક મિલિટરી સેટેલાઇટ અને મિસાઇલ ટેકનોલોજી મળવાની આશંકા છે. આ ઉપરાંત ચીન પણ આર્થિક મોરચે ઉત્તર કોરિયાની ઢાલ બનીને ઉભું છે. કિમ જોંગ ઉને સૈન્ય બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે સરહદી વિસ્તારોને 'અભેદ્ય કિલ્લા' માં ફેરવી દેવામાં આવે, જે ભવિષ્યમાં મોટા પ્રાદેશિક સંઘર્ષનો સંકેત આપી રહ્યો છે.

આ વિસ્તારમાં કેમ વધી રહ્યો છે ભૌગોલિક-રાજકીય તણાવ?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2019 માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કૂટનીતિક મંત્રણા નિષ્ફળ ગયા બાદ કિમે પરમાણુ કાર્યક્રમ તેજ કર્યો છે. આ સાથે દક્ષિણ કોરિયા સાથેનો વિવાદ પણ એક કારણ છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને પોતાનો 'સૌથી મોટો દુશ્મન' જાહેર કરીને જુના તમામ કરારો રદ કર્યા છે. અમેરિકા પરમાણુ નિઃશસ્ત્રીકરણની શરત ન હટાવે ત્યાં સુધી ઉત્તર કોરિયા કોઈ પણ વાટાઘાટો માટે તૈયાર નથી. આ તમામ પરિબળોના કારણે અત્યારે આ વિવાદ આગળ વધી રહ્યો છે.