(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે અમદાવાદ નજીક આવેલા સ્વામીનારાયણ મંદિર, જેતલપુર ધામની મુલાકાત લીધી હતી. તેઓએ અહીં આયોજિત 'રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી પાટોત્સવ'માં સહભાગી થઈ ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ વિશેષ અવસરે તેઓએ મંદિર પરિસરમાં આયોજિત ડિફેન્સ પ્રદર્શનીનું પણ ગૌરવપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, સનાતન ધર્મ ચિરંતન અને શાશ્વત છે અને તેની રક્ષા કરવી એ જ આપણું મુખ્ય કાર્ય છે. તેમણે સંઘ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સેવાકાર્યોની તુલના કરતા હળવા અંદાજમાં કહ્યું હતું કે, સંઘે પોતાના કાર્યોના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ જેતલપુર ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા આજે એક 'જૂનિયર' તરીકે 'સિનિયર'ને મળ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધર્મનું સાચું કામ લોકોને જોડવાનું છે અને આપણે આપણા જીવનને જોડવાવાળું બનાવવું જોઈએ.
તેમણે સામાજિક સમરસતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, ભગવાનની સૃષ્ટિમાં દરેકનું પ્રયોજન છે, તેથી ઊંચ-નીચ કે ભેદભાવને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. જે વ્યવસ્થામાં ભેદભાવ આવી જાય છે તે સમાજનું અહિત કરે છે, માટે ધર્મ આપણા આચરણમાં હોવો જોઈએ. શિક્ષાપત્રીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે માત્ર બોલવા કરતા આચરણનું મહત્વ વધુ છે. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં આધ્યાત્મના માર્ગે આખા વિશ્વને નવી દિશા બતાવવાનું સામર્થ્ય માત્ર ભારત પાસે જ છે.