Wed May 20 2026

Logo

અમેરિકા ભલે પ્રતિબંધ મૂકે, ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતું જ રહેશે: પેટ્રોલિયમ મંત્રાલયની મોટી જાહેરાત

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રતિબંધોમાં છૂટ મળે કે ન મળે, ભારત રશિયન તેલ ખરીદતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ વ્યાપારી લાભો અને ઊર્જા સુરક્ષાની જરૂરિયાતોના આધારે આમ કરવાનું ચાલુ રાખશે. આ નિવેદન પેટ્રોલિયમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આપ્યું હતું.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ મીડિયા બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું કે રશિયા પર અમેરિકાની છૂટ અંગે હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે અમે પહેલા પણ રશિયા પાસેથી ખરીદી કરતા આવ્યા છીએ... છૂટ પહેલા પણ, છૂટ દરમિયાન પણ અને અત્યારે પણ.

શર્માએ જણાવ્યું કે ભારતના ક્રૂડ સોર્સિંગના નિર્ણયો મુખ્યત્વે વ્યાપારી વિચારણાઓ અને પર્યાપ્ત સપ્લાઇની ઉપલબ્ધતા દ્વારા નક્કી થાય છે. તેમણે કહ્યું કે મૂળભૂત રીતે ખરીદી કરવા માટે આપણી પાસે વ્યાપારી સમજ હોવી જોઇએ. તેમજ તેમણે કહ્યું કે કાચા તેલના પુરવઠાની કોઇ અછત નથી અને લાંબા ગાળાની યોજના દ્વારા પૂરતો જથ્થો પહેલાથી જ સુરક્ષિત કરી લેવામાં આવ્યો હતો.

શર્માએ કહ્યું કે છૂટ મળે કે ન મળે, તેની(ઉપલબ્ધતા પર) અસર થશે નહીં. ૨૦૨૨થી જ્યારે રશિયાના યુક્રેન પર આક્રમણને કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લાદ્યા અને રશિયાના પરંપરાગત નિકાસ બજારોમાં વિક્ષેપ પડ્યો ત્યારથી સસ્તા દરે મળતું રશિયન તેલ ભારતના તેલ આયાતનો મુખ્ય ભાગ બની ગયું છે.

વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલના આયાતકાર અને ગ્રાહક ભારતે સસ્તા દરનો લાભ લેવા માટે રશિયન તેલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેના કારણે સ્થાનિક રિફાઇનરીઓને વધતા વૈશ્વિક ઊર્જા ખર્ચનો સામનો કરવામાં મદદ મળી છે.

કેપ્લરના ડેટા અનુસાર મે મહિનામાં દેશમાં રશિયન તેલની આયાત સરેરાશ લગભગ ૧.૯ મિલિયન બેરલ પ્રતિ દિવસ રહેવાની ધારણા છે. જે રેકોર્ડ સ્તરની નજીક છે. આ આંકડાઓમાં અમેરિકાના પ્રતિબંધોની કામચલાઉ છૂટ હેઠળ આયાત કરવામાં આવેલા માલનો પણ સમાવેશ થાય છે.