Wed May 20 2026

Logo

'રોમમાં તમારું સ્વાગત છ મારા દોસ્ત', ઇટાલી પહોંચતા જ વાયરલ થઇ મોદી-મેલોનીની સેલ્ફી

Roma   1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

રોમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના વ્યાપક યુરોપીય પ્રવાસના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ પડાવ પર મંગળવારે સાંજે ઇટાલી પહોંચી ગયા છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર થઈ રહેલો આ પ્રવાસ પીએમ મોદીનો ઇટાલીનો પહેલો સત્તાવાર દ્વિપક્ષીય પ્રવાસ છે.

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કરતા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમની સાથે એક નવી અને ખૂબ જ સુંદર સેલ્ફી પોસ્ટ કરી છે. મેલોનીએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, 'રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર!', આ ફોટો પાછળથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો.

આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની કોઈ તસવીર કે સેલ્ફી ઇન્ટરનેટ પર વાયરલ થઈ હોય. આ પહેલા વર્ષ 2023માં દુબઈમાં યોજાયેલા COP28 શિખર સંમેલન દરમિયાન મેલોનીની 'Good friends at COP28' વાળી સેલ્ફી અને ત્યારપછી 2204માં ઇટાલીના અપુલિયામાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન "મેલોડી ટીમ તરફથી હેલો" વાળા વીડિયોએ વૈશ્વિક સ્તરે હેડલાઇન્સ બની હતી.

પીએમનો પ્રવાસ ઘણી રીતે ખાસ છે

વિદેશ મંત્રાલય (MEA) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 પછી બંને વડાપ્રધાનો વચ્ચેની આ 8મી મુલાકાત હશે, જે ભારત અને ઇટાલી વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધોની સાક્ષી પૂરે છે.

₹1.3 લાખ કરોડનો વેપાર, હવે 2029 સુધી મોટું લક્ષ્ય

યુરોપીય સંઘ (EU) માં ઇટાલી હાલમાં ભારતનું ચોથું સૌથી મોટું વ્યાપારીક ભાગીદાર બનીને બહાર આવ્યું છે. વર્ષ 2025માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર14.25 બિલિયન યુરો (અંદાજે 1.3 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયો છે. હવે બંને દેશોએ વર્ષ 2029 સુધીમાં તેને વધારીને 20 બિલિયન યુરો કરવાનો એક અત્યંત મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.

ભારતીય સમુદાય: ઇટાલીમાં અંદાજે 1.87 લાખથી 2.5 લાખ ભારતીયો રહે છે, જે યુરોપીય સંઘમાં ભારતીય પ્રવાસીઓનો સૌથી મોટો સમૂહ છે. 'માઇગ્રેશન એન્ડ મોબિલિટી એગ્રીમેન્ટ'  દ્વારા બંને દેશોના નાગરિકો અને વિદ્યાર્થીઓ (હાલમાં 5100+ વિદ્યાર્થીઓ) માટે રસ્તાઓ વધુ સરળ બનાવવામાં આવી રહ્યા છે.