સ્થાનિકમાં ચાંદી રૂ. 8667 ઉછળી, સોનામાં રૂ. 1270નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાની શક્યતાઓ પાતળી બનતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહ્યું હોવાથી વર્ષ 2026માં વ્યાજદરમાં કપાતની શક્યતા પણ ધૂંધળી બનતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછાં ફર્યાં હતા અને ચાંદીના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ રહ્યું હતું.
આમ વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલ છતાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1265થી 1270નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 8667 ઉછળી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 8667ના ઉછાળા સાથે રૂ. 2,64,867ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1265ના સુધારા સાથે રૂ. 1,51,025 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1270ના સુધારા સાથે રૂ. 1,51,632ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઊંચા મથાળેથી રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવનો અસ્વીકાર કરવાની સાથે યુદ્ધવિરામ લાઈફ સપોર્ટ પર હોવાનું જણાવતાં આજે ક્રૂડતેલ અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 4696.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ભાવ વધીને ગત 21મી એપ્રિલ પછીની ઊંચી સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ આજે સોનાના જૂન ડિલિવરી વાયદામાં પણ ભાવ 0.5 ટકા ઘટીને 4703.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ત્રણ ટકા ઘટીને આૈંસદીઠ 83.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
આજે મોડી સાંજે અમેરિકાનાં ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં તથા ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઑલે હાસને જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વનાં નીતિવિષયક નિર્ણય માટે મહત્ત્વપૂર્ણ ગણાતા ફુગાવાના ડેટાની આજે જાહેરાત થવાની હોવાથી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ હોવાને કારણે ક્રૂડતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી ફુગાવો વધતો હોય છે અને વધતા ફુગાવા સામે સોનામાં હેજરૂપી માગ ખૂલતી હોય છે, પરંતુ વધતા ફુગાવાને અંકુશમાં રાખવા કેન્દ્રવર્તી બૅન્ક વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પાતળી થવાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી માર્ચ 2027 સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 36 ટકા શક્યતા જોઈ રહ્યા છે.