કાન્સઃ દુનિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ પૈકીના એક એવા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે બોલિવૂડની જાણીતી હસ્તીઓ કાર્યક્રમને અલગ અંદાજ આપશે. ફિલ્મપ્રેમીઓ અને સેલેબ્સ ફેન્સ આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. ફ્રાંસમાં આયોજિત થનારા ઈન્ટરનેશનલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને વિશ્વ સિનેમાનું સૌથી મોટું મંચ માનવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોટા-મોટા ફિલ્મ અભિનેતા, નિર્માતા તથા પ્રોડ્યુસર પણ ભાગ લેતા હોય છે. પોતાની ફિલ્મોને લઈને જાય છે. વૈશ્વિક મંચ પર પોતાની ફિલ્મ પ્લે થાય એવું દરેક ડાયરેક્ટર ઈચ્છે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસના લૂક્સ અને આઉટફીટની વૈશ્વિક સ્તરે ચર્ચા થાય છે.
આઉટફિટ પર રહેશે નજર
આલિયા ભટ્ટથી લઈને એશ્વર્યા રાય સુધીની એક્ટ્રેસના આઉટફીટ પર સૌની નજર હોય છે. રેડકાર્પેટ પર સેલેબ્સ પોતાનો બેસ્ટ લૂક સાથે આવે છે. અનેક એવા ભારતીય સેલેબ્સ ઈન્ટરનેશનલ મંચ પર પોતાની એન્ટ્રીથી સૌને ચોંકાવી દે છે. 12 મેથી 23 મે સુધી ફ્રાંસના ફ્રેંચ રીવેરા સ્થિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના વર્ષ 2026ના કાર્યક્રમનું આયોજન થશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી સિનેપ્રેમીઓ સહિત ફિલ્મમેકર્સ, ફેશન આઈકોન, એક્ટર-એક્ટ્રેસ, પ્રોડ્યુસર તથા ફિલ્મજગત સાથે જોડાયેલા લોકો જોડાશે. ભારતમાંથી એશ્વર્યા રાય બચ્ચનથી લઈ આલિયા ભટ્ટ સુધીની એક્ટ્રેસ ફ્રાંસના આ ફેસ્ટિવલમાં જોવા મળશે. આ વખતે ખાસ તો તારા સુતરિયાને એક ગોલ્ડન ચાન્સ મળી રહ્યો છે. તે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોડાશે.

લાઈવ જોઈ શકાશે ઈવેન્ટ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની લાઈવ સ્ટ્રિમિંગ યુટ્યુબ પર એની ઓફિશિયલ ચેનલ પર જોઈ શકાશે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઓફિશિયલ વેબસાઈટ ઉપર પણ જોઈ શકાશે. 79માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ફ્રાંસના જાણીતા પેલેસ ડેસ ફેસ્ટિવલ એટ ધ કૉંગ્રેમાં થશે. 12 મેના રોજ મોડી રાત્રે આ કાર્યક્રમ શરૂ થશે.રંગારંગ કાર્યક્રમ સાથે ઑપનિંગ સેરેમની પણ યોજાશે. 23 મેના રોજ આ ફેસ્ટિવલનું સમાપન થશે, જેમાં એવોર્ડ વિતરણ પણ થશે. આ વખતે ફેસ્ટિવલની અધ્યક્ષતા જાણીતા સાઉથ કોરિયાઈ ફિલ્મનિર્માતા પાર્ક ચાન વૂક કરશે. જે દુનિયામાં પોતાના સિનેમેટિક અંદાજ તથા શાનદાર ફિલ્મ આપવા માટે જાણીતા છે.

આલિયા ભટ્ટ ફ્રાંસ પહોંચી
આલિયા ભટ્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે રવાના થઈ ચૂકી છે. એમની સાથે એશ્વર્યા રાય બચ્ચન પણ પોતાની અદામાં જોવા મળશે. વર્ષોથી તેનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક અલગ લૂક જોવા મળે છે. બીજી તરફ આ કાર્યક્રમમાં તારા સુતરિયાનો એક અલગ અવતાર જોવા મળશે. આ વર્ષે તે કાન્સમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અનેક ફેન્સની નજર આ કાર્યક્રમ પર એમની હાજરીને લઈને છે. આ સિવાય કરણ જોહર, મૌની રોય, પૂજા બત્રા જેવા કલાકારો આ ફિલ્મ ફેસ્ટિવલમાં જોડાશે. કાન્સમાં હાજરી કરતા કલાકારોની ફેશન, આઉટફિટ્સ અને એમના નિવેદનો સતત ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે બોલિવૂડની કઈ ફિલ્મની ચર્ચા થાય છે એ જોવાનું છે.