Sun May 17 2026

Logo

ગુજરાતમાં પહેલી જૂનથી વસ્તી ગણતરી શરૂ: ઘરે બેઠા જાતે જ ભરો વિગતો, આ રહી ડાયરેક્ટ લિંક અને પ્રોસેસ

2026-05-12 17:38:20
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં હાલ વસ્તી ગણતરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, અનેક રાજ્યમાં પ્રથમ તબક્કાની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ વસ્તી ગણતરીના બંને તબક્કાની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વસ્તી ગણતરી અંગે માહિતી આપતા વસ્તી ગણતરી નિયામક સુજલ જે.

મયાત્રાએ જણાવ્યું હતું કે ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. જેનો પ્રથમ તબક્કો પહેલી જૂનથી શરૂ થશે તેમજ બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ થશે. 

પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી ગુજરાતમાં તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે. 

બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્ય માટે રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.   

આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને Android અને  iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે 'સ્વ-ગણતરી'નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. 

સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ એસઈ આઈડી ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.  

રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. 

તેમણે ડેટા સુરક્ષિત રહેશે તેવી ખાતરી આપી હતી આ સાથે જનતા કોઈપણ પ્રકારની મુંઝવણ અનુભવે તો ટોલ ફ્રી નંબર-1855 પર કૉલ કરી શકે છે અથવા સરકારની વેબસાઈટની મદદ લઈ શકે છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.