ભારત સતત 18મા સિરીઝ-વિજયની તલાશમાં, મેઘરાજા વિઘ્નકર્તા બની શકે
શુક્રવારથી બાંગ્લાદેશ સામે છેલ્લી ટેસ્ટ, રોહિત-વિરાટ પર સૌની નજર
કાનપુર: ભારતે બાંગ્લાદેશ સામે બે મૅચવાળી ટેસ્ટ-સિરીઝનો પ્રથમ મુકાબલો 280 રનના તોતિંગ તફાવતથી જીતી લીધો ત્યાર બાદ હવે બન્ને દેશ વચ્ચે શુક્રવારે (સવારે 9.30 વાગ્યાથી) બીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થશે જે જીતીને ભારત લાગલગાટ 18મો સિરીઝ-વિજય મેળવીને પોતાનો રેકૉર્ડ વધુ લંબાવવા કોઈ કસર બાકી નહીં રાખે. જોકે કાનપુરમાં વરસાદ અને ખરાબ હવામાનની આગાહી હોવાથી ભારતના રંગમાં ભંગ પડે તો નવાઈ નહીં.
ચેન્નઈની પ્રથમ ટેસ્ટમાં રવિચન્દ્રન અશ્ર્વિને ચાર ચાંદ લગાડી દીધા હતા. તેના લડાયક સેન્ચુરી અને બીજા દાવની છ વિકેટવાળા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ ઉપરાંત રવીન્દ્ર જાડેજાના સપોર્ટિંગ રોલ, શુભમન ગિલની સમયસરની સદી, જસપ્રીત બુમરાહની કુલ પાંચ વિકેટ તેમ જ ખાસ કરીને રિષભ પંતની કમબૅકની સેન્ચુરીએ ભારતને સિરીઝમાં 1-0થી સરસાઈ અપાવી હતી.
જોકે હવે બીજી ટેસ્ટ જિતાડવાની જવાબદારી કૅપ્ટન રોહિત શર્મા અને મુખ્ય બૅટર વિરાટ કોહલીની છે.
સિરીઝના પ્રથમ દિવસે 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઇન્ડિયાએ જે કમબૅક કર્યું એ અવિસ્મરણીય હતું. અશ્ર્વિન-જાડેજાની 199 રનની ભાગીદારીએ જ ભારતને આ વિજય અપાવ્યો હતો.
હવે બીજી ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાવાની છે જ્યાંની પિચ પરંપરાગત રીતે સ્પિનર્સને વધુ માફક આવે એવી હોય છે. આ પિચ પર બૉલ નીચો રહી જતો હોય છે. ઉનાઓની કાળી માટીથી બનેલી આ પિચ પર શરૂઆતમાં પેસ બોલર્સને ફાયદો થશે, પરંતુ સમય જતાં પિચ વધુ સ્લો થતાં સ્પિનર્સ વધુ લાભ મેળવી શકશે.
કાનપુરમાં છેલ્લે 2021માં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાયેલી ટેસ્ટમાં ભારતે ત્રણ સ્પિનર્સ (અશ્ર્વિન, જાડેજા, અક્ષર)ને રમાડ્યા હતા. જોકે એ રોમાંચક મૅચ ડ્રૉમાં પરિણમી હતી.
ભારત આ મૅચ પણ જીતીને બાંગ્લાદેશનો 2-0થી વ્હાઇટ-વૉશ કરી શકે એમ છે, કારણકે જો ફરી એકવાર ભારત ત્રણ સ્પિનરને રમાડશે તો બાંગ્લાદેશની ટીમે કાનપુરની પિચ પર ટકી રહેવું મુશ્કેલ બની જશે. ખાસ કરીને સ્પિનર અક્ષર પટેલના બૉલમાં જે પેસ હોય છે અને સ્ટમ્પ્સને લક્ષ્યાંક બનાવવાની તેનામાં જે કાબેલિયત છે એના પર સૌની નજર રહેશે.
કુલદીપ યાદવ પણ ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમાં છે અને કાનપુર તેનું હોમ-ગ્રાઉન્ડ છે. જો અક્ષરને કે કુલદીપને રમાડવાનો નિર્ણય લેવાશે તો કદાચ પેસ બોલર મોહમ્મદ સિરાજને અથવા આકાશ દીપને ડ્રૉપ કરવામાં આવશે.
ભારતની લાંબી બૅટિંગ લાઇન-અપ પણ ટીમને વધુ એક વિજય અપાવવા પૂરતી છે.
બન્ને દેશની સંભવિત ઇલેવન:
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કે. એલ. રાહુલ, રવિચન્દ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ/આકાશ દીપ.
બાંગ્લાદેશ: નજમુલ શૅન્ટો (કૅપ્ટન), શદમાન ઇસ્લામ, ઝાકિર હસન, મોમિનુલ હક, મુશ્ફીકુર રહીમ, શાકિબ-અલ-હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાઝ, તૈજુલ ઇસ્લામ, હસન મહમૂદ, તાસ્કિન અહમદ.
Also Read –