નેશનલ

પાકિસ્તાન માટે જાસૂસી કરનારા બે પકડાયા

લખનઊ: ઉત્તર પ્રદેશ પોલીસની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) વતી ભારતમાં જાસૂસી કરતી અને ત્રાસવાદને ભંડોળ પૂરું પાડતી બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી.

ત્રાસવાદ-વિરોધી ટુકડીએ ગાઝિયાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પંજાબના ભટિન્ડાના રહેવાસી અમૃત ગિલ ઉર્ફે અમૃત પાલ (ઉંમર વર્ષ પચીસ) અને ફરિદનગરના રહેવાસી રિયાઝુદ્દીન (ઉં.વ.૩૬)ની ધરપકડ કરી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ ભટિન્ડા ખાતેથી અમૃત ગિલને ૨૩ નવેમ્બરે પકડ્યો હતો અને તેને ઉત્તર પ્રદેશ લાવી હતી, જ્યારે રિયાઝુદ્દીનને પૂછપરછ માટે બોલાવાયો હતો અને પૂછપરછ બાદ તેને પકડવામાં આવ્યો હતો.

અગાઉ, ત્રાસવાદ-વિરોધી ટુકડીને માહિતી મળી હતી કે, અમુક લોકો જાસૂસી અને ત્રાસવાદી પ્રવૃત્તિ માટે વાપરવાનું ભંડોળ મેળવી રહ્યા છે. પકડાયેલા આ બે જણ ભારતની સંવેદનશીલ માહિતી નાણાંના બદલામાં પાકિસ્તાનની આઇએસઆઇને પૂરી પાડતા હોવાનું કહેવાય છે.

અમૃત ગિલે ભારતના લશ્કરની ટેન્ક અને અન્ય શસ્ત્રોને લગતી માહિતી રિયાઝુદ્દીન અને હકને આપી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button