આસામમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં ૧૨નાં મોત
ગોલાઘાટ/જોરહાટ (આસામ): આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે કોલસાથી ભરેલી ટ્રક અને બસ સામસામે ટકરાતા ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત અને ૩૮ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ગોલાઘાટ જિલ્લા
કમિશ્નર પી. ઉદય પ્રવીણે પીટીઆઈને જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ૭૧૫ પર ડેરગાંવ નજીક બાલીજાન ખાતે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ૪૯ મુસાફરોને લઈને જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. તેમણે કહ્યું, જે ૧૨ લોકોના જીવ ગયા તેમાંથી છ મહિલાઓ છે. આ તમામ બાસા ભરલુવા ગામના રહેવાસી હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકો પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “આસામના ગોલાઘાટમાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના અચાનક મૃત્યુના સમાચાર અત્યંત દુ:ખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.