
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાના પરિણામો બાદ શરૂ થયેલો હંગામો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કૉંગ્રેસ પક્ષના છ વિધાનસભ્યોએ બળવો કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. જે બાદ સુખુ સરકારમાં રહેલા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સરકારને બચાવવા માટે ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસમાં ચાલી રહેલી આવી કટોકટી અને રાજીનામાની અટકળો વચ્ચે મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે.
સીએમ સુખુએ જણાવ્યું હતું કે તેઓએ રાજીનામું આપ્યું નથી. રાજ્યમાં કૉંગ્રેસની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે જ. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ભાજપના કેટલાક વિધાનસભ્યો તેમના સંપર્કમાં છે. તેમના આ નિવેદન બાદ ભાજપમાં ખળભળાટ છે.
સીએમ સુખુએ જણાવ્યું હતું કે મીડિયામાં એવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે મેં રાજીનામું આપ્યું છે, પણ હું રાજીનામું આપવાનો નથી. હું એક યોદ્ધા છું હું લડીશ પણ ઝૂકીશ નહીં. અમારી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે જ. ભાજપના કેટલાક વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે. આ બધું ભાજપનું જ કર્યુકારવ્યું નાટક છે.