ઝેડપીએમને મિઝોરમમાં સ્પષ્ટ બહુમતીઃ જોરમથાંગાનું રાજીનામું
કૂલ પાંચ રાજ્યમાંથી ચાર રાજ્યનું પરિણામ રવિવારે જાહેર કરવામા આવ્યું હતું જ્યારે મિઝોરમની રાજ્યનું પરિણામ આજે એટલે કે સોમવારે જાહેર થયું હતું, જેમાં જોરમ પિપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)ને સ્પષ્ટ બહુમતી મળી છે. આ નાનકડા રાજ્યની 40 બેઠકની ચૂંટણી હતી જેમાં જોરમને 27 બેઠક મળતા તેમને સ્પષ્ટ બહુમતી મળી હતી. વર્ષ 1984 થી, ઉત્તરપૂર્વીય રાજ્ય મિઝોરમ ક્યારેક કોંગ્રેસ અથવા ક્યારેક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સરકારને સત્તા આપતું આવ્યું છે. આ વખતે રાજ્યના પૂર્વ IPS લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ નવો રાજકીય પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) બહુમતીમાં આવ્યો છે. તે જ સમયે, MNF ના ઝોરામથાંગા તેમની સરકાર બચાવવામાં નિષ્ફળ રહી છે જ્યારે કૉંગ્રેસને પણ જનતાએ જાકારો આપ્યો છે.
દરમિયાન મિઝોરમના મુખ્ય પ્રધાન ઝોરામથાંગાએ રાજભવન ખાતે રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું હોવાની માહિતી મળી છે.
જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) પાર્ટીએ 27 બેઠકો સાથે બહુમતી મેળવી છે. ચૂંટણી પરિણામો પછી, રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ZPM ઉમેદવાર લાલદુહોમાનું નામ પ્રથમ છે. મુખ્ય પ્રધાનના ઉમેદવાર લાલદુહોમા તેમના મતવિસ્તાર સેરછિપ બેઠક પરથી 2,982 મતોથી જીત્યા છે.
આ રાજ્યની ચૂંટણી પહેલા ખુદ કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વીડિયો મેસેજ દ્વારા લોકોને કૉંગ્રેસને સત્તા આપવાની અપીલ કરી હતી. જોકે જનતાએ આ અપીલ કાને ન ધરતા કૉંગ્રેસને માત્ર એક બેઠક પર વિજયી બનાવી હતી જ્યારે તેના કરતા એક વધારે એમ ભાજપને બે બેઠક મળી છે. હવે કુલ પાંચ રાજ્યના પરિણામો આવી ચૂક્યા છે જે ભાજપ માટે લોકસભાની ફાઈનલ જીતવાના ટોનિક જેવા સાબિત થશે જ્યારે કૉંગ્રેસે આત્મચિંતનનું ટોનિક લેવાની જરૂર છે.