Video: હડતાળ અને ફ્યુલ શોર્ટેજ વચ્ચે Zomatoના ડિલિવરી એજન્ટે કર્યું કંઇક એવું
હૈદરાબાદઃ અહીંના પેટ્રોલ પંપ પર ઇંધણની અછતના વિરોધમાં ઝોમેટોનો ડિલિવરી એજન્ટનો ઘોડા પર સવારી કરતો એક વીડિયો વાયરલ થયો છે. હૈદરાબાદના ચંચલગુડા વિસ્તારમાં ઝોમેટોના ડિલિવરી એજન્ટે ઇંધણની કટોકટીનો ઉકેલ શોધી કાઢ્યો હતો. ઇંધણની અછતના કારણે ઘણા વાહનો પેટ્રોલ સ્ટેશનો પર ફસાયા હતા. ઓઇલ ટેન્કરના ડીલરોની હડતાળને કારણે પેટ્રોલ પંપ બંધ હોવાથી અને શહેરના પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગવાથી, એજન્ટે ઘોડા પર બેસીને ગ્રાહકોને ફૂડ ઓર્ડર પહોંચાડવાનું નક્કી કર્યું હતું.
હૈદરાબાદની ઈમ્પીરીયલ હોટલની નજીકની ભીડવાળી શેરીઓમાં નેવિગેટ કરતા ઘોડા પર સવાર ડિલિવરી એજન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. લાલ ઝોમેટો બેકપેક અને યુનિફોર્મ સાથે આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો.
ટ્રક ડ્રાઇવરોની હડતાળને પગલે દેશભરના પેટ્રોલ પંપો પર પેટ્રોલ- ડીઝલની તંગી સર્જાઇ હતી. લોકોમાં ગભરાટ ફેલાયો હતો કે જો લાંબા સમય સુધી આ હડતાળ ચાલુ રહેશે તો બઘા પેટ્રોલ પંપો પર પેટ્રોલ- ડીઝલ ખૂટી પડશે. લોકોએ ગભરાટના માર્યા જે-તે પેટ્રોલ પંપો પર જઇ વાહનોમાં ઇંધણની ટાંકી ફૂલ કરાવવાનું શરૂ કર્યું હતું. મંગળવારે, દેશના કેટલાક ભાગોમાંથી વિઝ્યુઅલ્સ આવ્યા હતા જેમાં લોકો પેટ્રોલ અને ડીઝલ પંપ પર લાંબી કતારમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. તેઓ ઇંધણની તંગીને કારણે અંગે ચિંતિત હતા.
નોંધનીય છે કે ઓલ-ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) એ સરકાર સાથે ચર્ચા કર્યા પછી દેશવ્યાપી ટ્રકર્સની હડતાળને પાછી ખેંચી છે. આ હડતાલ ભારતીય ન્યાય સંહિતા હેઠળના નવા હિટ-એન્ડ-રન કાયદાના પ્રતિભાવમાં હતી, જેમાં અકસ્માત કરી અકસ્માતના સ્થળેથી ભાગી જનારા ડ્રાઇવરો પર સખત દંડ લાદવાની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે તેમને આ વિવાદાસ્પદ કાયદો લાગુ કરતાં પહેલાં પરિવહન સંસ્થા સાથે વધુ પરામર્શની ખાતરી આપ્યા બાદ AIMTCએ ટ્રકર્સને કામ ફરી શરૂ કરવા કહ્યું હતું.
નવા કાયદામાં અકસ્માત કર્યા બાદ ઘટનાની જાણ સંબંધિત અધિકારીઓને કરવામાં નિષ્ફળ જનારા ડ્રાઇવરો માટે 10 વર્ષ સુધીની જેલ અને/અથવા જીવલેણ અકસ્માતોમાં સામેલ ડ્રાઇવરો માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેનો ટ્રક ડ્રાઇવરો વિરોધ કરી રહ્યા છે.