નેશનલ

ઝિંદગી મિલી દોબારાઃ મજૂરોને બચાવવા ઓસ્ટ્રેલિયન નિષ્ણાત રહ્યા અડીખમ, જાણો કોણ છે?

ઉત્તરકાશી: અહીંની ટનલમાં સત્તર-સત્તર દિવસથી ફસાયેલા મજૂરોને હવે ઝડપથી બહાર કાઢવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આ મજૂરોને પોઝિટિવ રાખીને ડગલે ડગલે તમામ એજન્સી સાથે સંપર્કમાં રહેનારા ઓસ્ટ્રેલિયન નિષ્ણાતની કામગીરીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ટનલમાંથી ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે એક કરતા અનેક સરકારી, અર્ધસરકારી એજન્સી કામ કરી રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસ, ગ્રામજનો અને સેનાના જવાનોની મહેનતે આ મજૂરોને બચાવી લેવાનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, પરંતુ આ બચાવ અભિયાનમાં મહત્વની ભૂમિકા ઇન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ આર્નોલ્ડ ડિક્સે ભજવી હતી.

ડિક્સે આ અભિયાનમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. 20મી નવેમ્બરે ટનલની સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે દરેક લોકોને હંમેશાં પોઝિટિવ રહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, ડિક્સ રાત-દિવસ ટનલની સાઇટ પર કામદારોના સંપર્કમાં રહ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા માટે રાત-દિવસ ખડેપગે રહ્યા હતા.

મૂળ ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાત છે. તેઓ માત્ર અંડરગ્રાઉન્ડ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે સલાહ આપતા નથી, પરંતુ ભૂગર્ભ ટનલિંગના વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે. ડિક્સ બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્વેસ્ટિગેટર્સમાં માસ્ટરી ધરાવે છે.

છેલ્લા ત્રણ દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દીમાં એન્જિનિયરિંગ, ભૂસ્તરશાસ્ત્ર, કાયદો અને જોખમ વ્યવસ્થાપન બાબતોનું અનોખું મિશ્રણ જોવા મળ્યું છે. તે બધા ખંડો માટે કામ કરે છે. આ ઉપરાંત, ડિક્સ અંડરગ્રાઉન્ડ વર્ક્સ ચેમ્બર્સ, વિક્ટોરિયન બાર, બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્વેસ્ટિગેટર્સના સભ્ય છે અને ટોક્યો સિટી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ (ટનલ્સ)ના વિઝિટિંગ પ્રોફેસર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button