
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવીટીઝ પ્રિવેન્શન ઍક્ટ-UAPA) હેઠળ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI) ઉપરનો પ્રતિબંધ પાંચ વર્ષ વધારવામાં આવ્યો છે. હવે ગૃહ ખાતાએ પ્રદેશોને પણ સત્તા આપી હોવાથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ યુએપીએ હેઠળ આ સંગઠનને ગેરકાયદે જાહેર કરી શકે છે.
ગયા મહિનાના અંતમાં કેન્દ્રીય ગૃહ ખાતાએ એક નવો આદેશ બહાર પાડ્યો હતો, જેમાં પહેલાથી જ પ્રતિબંધિત એવા આતંકવાદી સંગઠન સિમી ઉપરના પ્રતિબંધની મુદત પાંચ વર્ષ વધારી દીધી હતી. યુએપીએ કાયદા હેઠળ સીમી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગૃહ ખાતાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ (પહેલા ટ્વિટર) ઉપર આ જાણકારી મૂકી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘ઝીરો ટોલરન્સ’ના દૃષ્ટિકોણને પગલે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયાને યુએપીએ હેઠળ આગામી પાંચ વર્ષ સુધી ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
સીમી સંગઠન દેશ વિરોધી કૃત્યોમાં સંડોવાયેલું હોવાનું જણાવતા કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમી ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતાને જોખમમાં મૂકવા માટે, આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે તેમ જ સાંપ્રદાયિક સદ્ભાવને બગાડવાના કૃત્યોમાં સંડોવાયેલું હોવાનું જણાયું છે.
ઉત્તર પ્રદેશના અલીગઢમાં 25 એપ્રિલ, 1977માં સિમીની સ્થાપના કરવામાં આવી હતી. મોહમ્મદ અહમદુલ્લા સિદ્દીકી આસંગઠનના સંસ્થાપક અધ્યક્ષ હતા. આ સંગઠનનું ધ્યેય ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું છે. અટલ બિહારી વાજપેયીની સરકારે પહેલી વખત 2001ની સાલમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો.
જોકે, 2008ના ઑગસ્ટમાં એક વિશેષ અદાલતે આ સંગઠન પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો હતો, પરંતુ 6 ઑગસ્ટ, 2008ના રોજ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ કે.જી.બાલાકૃષ્ણને આ પ્રતિબંધને ફરીથી અમલમાં મૂક્યો હતો. સિમી પર છેલ્લી વખત 31 જાન્યુઆરી, 2019ના દિવસે પ્રતિબંધ મૂકાયો હતો.