યુસુફ પઠાણને અપીલઃ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આવો, કેમ દેખાતા નથી?

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિંસા ફાટી નીકળ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર અને મમતા બૅનરજીના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નો આ વિસ્તારનો સંસદસભ્ય યુસુફ પઠાણ (YUSUF PATHAN) ભૂગર્ભમાં જતો રહ્યો એ બાબતે રાજ્યના વિપક્ષ ભાજપે જોરદાર ટીકા કરી એને પગલે ટીએમસીના સ્થાનિક નેતાઓએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ ફોન પર યુસુફ સાથે સંપર્કમાં જ છે અને બહુ જલદી આ જિલ્લાની મુલાકાત લેવાની તેને વિનંતી કરી છે.
ગયા અઠવાડિયે મુર્શિદાબાદ (MURSHIDABAD) જિલ્લાના શમશેરગંજ સહિત કેટલાક વિસ્તારોમાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા જેમાં ત્રણ જણના મૃત્યુ થયા હતા. આ વિસ્તારો બેહરામપુર (BEHRAMPUR)થી આશરે 80 કિલોમીટર દૂર છે અને યુસુફ પઠાણ બેહરામપુરનો ટીએમસી (TMC)નો સંસદસભ્ય છે.
મુર્શિદાબાદમાં મુસ્લિમોની બહુમતી છે અને હિંસાના બનાવો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ ધારામાં સુધારા કરવામાં આવ્યા એને પગલે થયેલા વિરોધી દેખાવો દરમ્યાન બન્યા હતા. પીટીઆઇના અહેવાલ મુજબ કેન્દ્રિય પ્રધાન અને ભાજપના પશ્ચિમ બંગાળના પ્રમુખ સુક્નતા મજુમદારે કહ્યું હતું કે ટીએમસીના નેતાઓની સંડોવણીથી બંગાળ ભડકે બળી રહ્યું છે, હિન્દુઓની કત્લેઆમ થઈ રહી છે અને ટીએમસીના સંસદસભ્ય યુસુફ પઠાણ ચાની ચુસકી લગાવવામાં વ્યસ્ત છે. આ જ ટીએમસીનો અસલી ચહેરો છે.’
પીટીઆઇના અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કેગયા અઠવાડિયે મુર્શિદાબાદ જિલ્લામાં જે કોમી તોફાનો થયા એ દરમ્યાન બેહરામપુરના સંસદસભ્ય યુસુફ પઠાણે આ જિલ્લાની મુલાકાત ન લીધી એ બદલ આ જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ યુસુફથી નારાજ છે. આ નેતાઓનો એક વર્ગ આ સેલિબ્રિટી ઉમેદવાર (યુસુફ પઠાણ)ને એમપી બનાવ્યો એ બદલ પક્ષ (ટીએમસી)થી નારાજ છે. આ નેતાઓનું કહેવું છે કે આ સેલિબ્રિટી નેતા કટોકટીના સમયે પોતાના જ વિસ્તારથી દૂર રહ્યા છે અને પાયાના કાર્યકરો સાથેનો સંપર્ક જ તોડી નાખ્યો છે.
મુર્શિદાબાદના એમપી અને ટીએમસીના નેતા અબુ તાહેર ખાને પીટીઆઇને યુસુફ પઠાણ વિશેની ચર્ચામાં જણાવ્યું હતું કે `એ ક્રિકેટર અને સેલિબ્રિટી છે. તે શું કામ અહીં આવશે? નાજુક પરિસ્થિતિને કાબૂમાં લાવવાનો અમે જ પ્રયત્ન કરી રહ્યા છીએ. સેલિબ્રિટીઝને નૉમિનેટ કરો એટલે આવું જ થાય. અમે તેની સાથે ફોન પર સંપર્કમાં છીએ અને અમે તેને અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે આવવા કહ્યું છે. જોકે હાલમાં તે આઇપીએલ સંબંધમાં વ્યસ્ત છે.’
આપણ વાંચો : ઈમામના સંમેલનમાં મમતા બેનર્જી યોગી આદિત્યનાથ પર વરસ્યા, યુપીની સ્થિતિ પર કર્યાં સવાલ