નેશનલ

જાસૂસ જ્યોતિ મલ્હોત્રાના કેસમાં વધુ એક નવો ખુલાસો, હવે ઓડિશાની યુટ્યુબર સંકટમાં

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાની જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથેના સંબંધમાં ધરપકડ કરવામા આવી હતી. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં પકડાયેલી જ્યોતિનું હવે ઓડિશા કનેકશન પણ સામે આવ્યું છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સી સહિત પુરી પોલીસ પણ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. અન્ય યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ કરવામાં આવી હતી.

જ્યોતિ મલ્હોત્રા તેમના વ્લોગ્સ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે જાણીતી હતી. તે ભારતીય સેના સાથે જોડાયેલી કેટલીક સંવેદનશીલ માહિતા પાકિસ્તાન મોકલતી હતી. આ ધરપકડ એક સાઇબર જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થવાનો સંકેત છે. જેમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ ઈન્ફલુએંસર્સનો ઉપયોગ કરીને દેશની અંદરની જાણકારી લીક કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાન માટે જાસૂસી કરનારી જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછમાં થયા મોટા ખુલાસા

સૂત્રો મુજબ, સપ્ટેમ્બર 2024માં જ્યોતિ મલ્હોત્રાએ પુરી યાત્રા કરી હતી. આ દરમિયાન જગન્નાથ મંદિર અને તેની આસપાસના સરકારી પરિસરની તસવીરો તથા વીડિયો બનાવ્યા હતા. સુરક્ષા એજન્સીને આ સ્થાનની જાણકારીને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા પાકિસ્તાન સ્થિત ઓપરેટિવ્સને મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. તપાસ એજન્સીને એવો પણ શક છે કે આ દરમિયાન જ્યોતિએ પ્રિયંકા સેનાપતિ સાથે મુલાકાત કરી હતી અથવા તેના સંપર્કમાં હતી.

જ્યોતિ મલ્હોત્રા અને ઓડિશાના પુરીની કન્ટેન્ટ ક્રિએટર પ્રિયંકા સેનાપતિ વચ્ચે શંકાસ્પદ સંબંધો સામે આવ્યા બાદ આઈબી અને પુરી પોલીસે સાથે મળીને તપાસ શરૂી કરી છે. જ્યોતિએ સપ્ટેમ્બર 2024માં પુરીનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન જગન્નાથ મંદિર અને આસપાસના સ્થળોની માહિતી વિદેશમાં મોકલવામાં આવી હોવાની આશંકાને લઈ પ્રિયંકા સેનાપતિની પૂછપરછ કરવામાં આવી છે.

પ્રિયંકા સેનાપતિએ સોશિયલ મીડિયા પર લાઇવ થઈને તેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. જેમાં તેણે કહ્યું જ્યોતિ મારી એક યુટ્યુબ મિત્ર હતી. મેં કોઈ ખોટા કામથી અજાણ હતી. જો મને ખબર હોત કે તે દુશ્મન દેશ માટે જાસૂસી કરી રહી છે તો હું તેની સાથે કોઈ સંપર્ક ન રાખત. હું તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છું.

આ પણ વાંચો: જ્યોતિ મલ્હોત્રાની આ રીતે ખુલી પોલ, ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચનો પણ બનાવ્યો હતો વીડિયો

જ્યોતિની ધરપકડ અને પ્રિયંકાની પૂછપરછ બાદ ઈન્ટેલિજન્સ એજન્સીએ પુરી, ભુવનેશ્વર તથા અન્ય પર્યટન સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. અહીં ડ્રોન, ડીએસએલઆર તથા પ્રોફેશનલ કેમેરાનો ઉપયોગ કરીને જાહેર સ્થળો પર શૂટિંગ કરતાં કન્ટેન્ટ ક્રિએટર્સ પર નજર રાખવામાં આવી રહી છે.

સુરક્ષા નિષ્ણાતોના કહેવા પ્રમાણે, સોશિયલ મીડિયાનો ઉપયોગ સાઇબર એજન્ટ્સ દ્વારા માહિતી એકત્ર કરીને મોકલવા માટે કરવામાં આવે છે. આજે જાસૂસ બોર્ડરથી નથી આવતા પરંતુ તેમના ફોનની સ્ક્રીન પાછળ જ હોય છે. એજન્સીઓ અનુસાર, એક મોટું કાવતરું હોઈ શકે છે. હાલ બંને વચ્ચેની વાતચીત, સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન અને ડેટા શેરિંગની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button