નેશનલ

યુવાનો ભારતનું ભવિષ્ય છે: અમિત શાહ

અમિત શાહનું અમદાવાદ નજીક સંબોધન: અમદાવાદની ભાગોળે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે લોકોને સંબોધ્યા હતા. (પીટીઆઈ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: યુવાનો ભારતનું ભવિષ્ય છે ત્યારે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ યુથ અને એસ્પિરેશન ઓફ યુથની નીતિ અપનાવી યુવાનો માટે અનેક ક્ષિતિજો ખુલ્લી મૂકી છે એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.

આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવપદવી ધારકોને જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્ત્વનાં તત્ત્વોનો સંગમ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને સ્ટ્રીમલેસ અને ક્લાસલેસ બનાવવાની સાથે તેમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ગૃહ પ્રધાને સરદાર સાહેબની કર્મભૂમિને નમન કરતા જણાવ્યું હતું કે, સરદારસાહેબ ના હોત તો દેશનું અસ્તિત્વ ના હોત, સરદાર સાહેબે આઝાદી બાદ સેંકડો રાજા-રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, જમ્મુ કાશ્મીરમાંથી વડા પ્રધાને કલમ ૩૭૦ને દૂર કરી ત્યારે કેટલાક લોકોએ તેને દુ:ખ સાથે સ્વીકારી હતી, પરંતુ વડા પ્રધાનએ સરદાર સાહેબનું સપનું પૂરું કર્યું છે. આઝાદી બાદ સરદારસાહેબને માન સન્માન યશ પ્રતિષ્ઠા ના મળી પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિરાટ પ્રતિભાની વિશ્ર્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા એકતાનગરમાં સ્થાપીને યથાયોગ્ય સન્માન આપ્યું છે. જે આજે વિશ્ર્વ પ્રવાસીઓ માટે કેન્દ્ર બિંદુ બન્યું છે.

શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ માં દેશમાં ૪૦૦ સ્ટાર્ટઅપ હતા, આજે તેની સંખ્યા બે લાખથી પણ વધારે છે. વર્ષ ૨૦૧૪માં ૪ સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબની સાપેક્ષમાં આજે ૧૧૧ સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબ છે. જેમાં મહિલાઓની ભાગીદારી ૪૫ ટકા છે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતે વડા પ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને ઈમાનદારી, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપવા જણાવ્યું હતું.

રાજ્યપાલે ઉમેર્યું હતું કે, આઝાદીના વર્ષો બાદ સમયને અનુકૂળ નવી શિક્ષણ નીતિ દ્વારા ભાવિ પેઢીને કૌશલ્યલક્ષી બનાવવાનું ભગીરથ કાર્ય વડા પ્રધાને કર્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે કોલેજો, યુનિવર્સિટીઓ અને યુવાનો સમર્પણ ભાવ અને પરિશ્રમથી સહયોગ આપી દેશના ભાગ્ય, દિશા, દશા બદલવા પ્રતિબદ્ધ બને તે જરૂરી છે. વડા પ્રધાનના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસ સાથે ખોવાયેલું સ્વાભિમાન પ્રાપ્ત કરી રહ્યો છે.

ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દીક્ષાંત એટલે શિક્ષણની સફરનો અંત નહિ પરંતુ જીવનમાં શિક્ષણની નવી યાત્રાનો પ્રારંભ છે. આ પ્રસંગે કુલ ૧૫૭૫૪ વિદ્યાર્થીઓને ૧૧ વિવિધ વિદ્યાશાખાઓ અંતગર્ત પદવીઓ એનાયત કરવામાં આવી હતી.સરદાર પટેલ યુનિવર્સિટીના આરંભ કાળથી આજ સુધીમાં પદવી ધરાવવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૭૪,૫૪૮ થઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…