હરિયાણાના યુવાનો ‘ડંકી’ તરફ કેમ વળ્યા?: રાહુલ ગાંધીનો અણિયાણો સવાલ
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એવો આરોપ લગાવ્યો કે ભાજપે રોજગારની તકો છીનવીને હરિયાણા સહિત દેશના યુવાનો સાથે ‘ગંભીર અન્યાય’ કર્યો છે અને તેમને વિદેશની ધરતી પર ‘અત્યાચારની યાત્રા’ કરવા મજબૂર કર્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પર હરિયાણાના કેટલાક ઇમિગ્રન્ટ્સ સાથે યુ.એસ.માં તેમની તાજેતરની મુલાકાતનો એક વિડિયો શેર કર્યો ત્યારે તેમણે આ ટિપ્પણી કરી હતી, જેમણે વતનમાંની બેરોજગારીનું કારણ આપીને યુ.એસ. જવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું અને તેમને વિદેશમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.
વિડિયો સાથેની હિન્દીમાં પોતાની પોસ્ટમાં ગાંધીએ કહ્યું હતું કે, હરિયાણાના યુવાનો ડંકી તરફ કેમ વળ્યા?
‘ડંકી’ એ ‘ગધેડા ફ્લાઇટ’ લેવાની ગેરકાયદેસર ઇમિગ્રેશન ટેક્નિકને આપવામાં આવેલો શબ્દ છે અને ગયા વર્ષે શાહરૂખ ખાન અભિનિત રાજકુમાર હિરાણીની ફિલ્મથી લોકપ્રિય થયો હતો.
લાખો પરિવારો તેમના પ્રિયજનોથી દૂર રહીને ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલી ‘બેરોજગારીની બિમારી’ની કિંમત ચૂકવી રહ્યા છે, એમ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું હતું.
મારી અમેરિકાની મુલાકાત દરમિયાન, હું હરિયાણાના એવા યુવાનોને મળ્યો જેઓ તેમના પરિવારોથી દૂર વિદેશમાં સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે ભારત પરત ફરીને તેમના પરિવારોને મળ્યો ત્યારે મારી આંખો પીડાથી ઉભરાઇ ગઈ હતી. તકોના અભાવે બાળકોમાંથી પિતાનો ટેકો અને વૃદ્ધો પાસેથી તેમના વૃદ્ધાવસ્થાનો ટેકો છીનવી લીધો છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
કોંગ્રેસના નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારો સંકલ્પ છે કે કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ અમે હરિયાણામાં એવી વ્યવસ્થા બનાવીશું જેમાં યુવાનોને તેમનાં સપનાં માટે તેમના પ્રિયજનોથી દૂર રહેવું નહીં પડે.
વીડિયોમાં ગાંધી અમેરિકામાં હરિયાણાના યુવાનો સાથે વાતચીત કરતા અને વિદેશમાં તેમના સંઘર્ષ વિશે પૂછતા જોવા મળે છે. આ વાતચીત દરમિયાન ગાંધીની સાથે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા પણ હતા.
રાહુલ ગાંધીએ શુક્રવારે હરિયાણાના કરનાલ જિલ્લાના એક ગામની મુલાકાત લીધી હતી અને યુ. એસ.માં અકસ્માતમાં ઘાયલ યુવકના પરિવારને મળ્યા હતા. (પીટીઆઈ)