‘રામ રાખે તેને કોણ ચાખે!’ ગોવા અગ્નિકાંડમાં કેબ મોડી પડતાં યુવક મોતને હાથતાળી આપી બચ્યો

પણજી: ગોવાના ઉત્તરીય વિસ્તારના અરપોરા ગામમાં આવેલા એક નાઇટ ક્લબમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૨૫ લોકોના કરૂણ મોત થયા છે અને અન્ય છ લોકો ઘાયલ થયા છે. આગ એટલી વિકરાળ હતી કે હાજર લોકોને બચવાનો સમય પણ મળ્યો ન હતો. પોલીસના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલાઓમાં ચાર પ્રવાસીઓ અને ક્લબના ૧૪ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય સાત લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ દુર્ઘટનાને પગલે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
આ કરૂણ ઘટનામાં, દિલ્હીથી ગોવા આવેલા અવનીશ નામના યુવકનો ચમત્કારિક બચાવ થયો છે, જેના પર “રામ રાખે તેને કોણ ચાખે” કહેવત સાર્થક ઠરી છે. અવનીશે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ પણ આ નાઇટક્લબમાં જ જવાના હતા, પરંતુ કેબ ડ્રાઇવરને મોડું થવાના કારણે તેઓ થોડા સમય પછી ત્યાં પહોંચ્યા હતા. જો કેબ સમયસર આવી હોત, તો તેઓ પણ આગની લપેટમાં આવી ગયા હોત. અવનીશે કહ્યું કે, “જ્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યારે ચારે તરફ માત્ર ધુમાડો જ ધુમાડો હતો. અમને પહેલા તો પ્રદૂષણ હોય તેવું લાગ્યું, કારણ કે દિલ્હીમાં અમને તેની આદત છે, પણ પછી ખબર પડી કે આ તો ભીષણ આગ છે.”
#WATCH | Dr Avanish from Delhi, who had planned to visit the ill-fated restaurant where a fire broke out, says, "…Actually, we got lucky because our cab driver was late or else we would be here…" https://t.co/qSth23gSZe pic.twitter.com/fPoSx1Pfcq
— ANI (@ANI) December 7, 2025
ગોવા પોલીસે આપેલી માહિતી મુજબ, આ અગ્નિકાંડ રવિવારે મોડી રાતના થયો હતો. ઘાયલ થયેલા છ લોકોને તાત્કાલિક નજીકની બામ્બોલિમ સ્થિત ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. આગ લાગવાના ચોક્કસ કારણોની જાણ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાના કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પરિસ્થિતિની નજીકથી સમીક્ષા કરી રહ્યા છે અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, “આ સમગ્ર ઘટનાના કારણોની તપાસ કરવા અને જવાબદારી નક્કી કરવા માટે મેં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.” આ ઘટનાએ નાઇટક્લબ અને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે.
આપણ વાંચો: દિલ્હી બનશે AI ઇનોવેશનની રાજધાની: યુવાનો માટે લૉન્ચ થયું દેશનું પ્રથમ ‘સિટી-સેન્ટ્રિક AI એન્જિન’



