નેશનલ

યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”

લખનઉ: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહની જાતિને લઈને આપેલા વિવાદિત નિવેદને રાજકીય તોફાન સર્જ્યું છે. મુરાદાબાદમાં રામગોપાલે ઓપરેશન સિંદૂરના ચર્ચિત સૈન્ય અધિકારી વ્યૉમિકા સિંહની જાતિનો ઉલ્લેખ કરીને ટિપ્પણી કરી હતી, જેનો ખુબ વિરોધ થઇ રહ્યો છે. આ નિવેદન બાદ સપા અને રામગોપાલ યાદવ ભારતીય જનતા પાર્ટીના નિશાના પર આવી ગયા છે.

CM યોગીએ સપા મહાસચિવને આડે હાથ લીધા

ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટમાં કહ્યું હતું કે, “સેનાની વર્દીને ‘જાતિવાદી ચશ્મા’થી નથી જોવામાં આવતી. ભારતીય સેનાનો દરેક સૈનિક ‘રાષ્ટ્રધર્મ’ નિભાવે છે અને તે કોઈ જાતિ કે ધર્મનો પ્રતિનિધિ નથી હોતો. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા એક બહાદુર દીકરીને જાતિના પરિધિમાં બાંધવાનું કાર્ય માત્ર તેમની પાર્ટીની સંકુચિત માનસિકતાનું પ્રદર્શન નથી પરંતુ સેનાની બહાદુરી અને દેશની અસ્મિતાનું ઘોર અપમાન પણ છે. આ એ જ માનસિકતા છે જે તુષ્ટિકરણ અને વોટ બેંકના રાજકારણના નામે દેશભક્તિને પણ વિભાજીત કરવાનું દૂસ્સાહસ કરે છે. જનતા ફરી એકવાર આ વિકૃત જાતિવાદી વિચારસરણીનો જવાબ આપશે.”

શું કહ્યું હતું રામ ગોપાલ યાદવે?

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે કર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન આપનારા મધ્યપ્રદેશના પ્રધાન વિજય શાહ પર નિશાન સાધતા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની જાતિ વિશે વાત કરી હતી. રામ ગોપાલ યાદવે કહ્યું કે તેમને (વિજય શાહ)ને એ પણ ખબર નથી કે વ્યોમિકા સિંહ કોણ છે અથવા તેમની જાતિ શું છે. તે એર માર્શલ એ.કે. ભારતી વિશે પણ નથી જાણતા. નહીંતર તેઓ તેમની સાથે પણ ખરાબ વર્તન કરતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button