વકફ બિલને મંજૂરી મળતા યોગી એક્શનમાં, આપ્યો આ આદેશ

લખનઉ: લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. વકફ સુધારા બિલને હવે કાયદો બનવાથી માત્ર એક જ કદમનું અંતર છે. તે પહેલા જ યોગી સરકારે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર જાહેર કરાયેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને મહેસૂલ રેકોર્ડમાં નોંધાયેલી ન હોય તેવી વકફ મિલકતોની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મોટાભાગની સંપતિઓનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી
મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં વક્ફ બોર્ડ દ્વારા દાવો કરાયેલી મોટાભાગની સંપતિઓનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. મહેસૂલ રેકોર્ડ અનુસાર સુન્ની વક્ફ બોર્ડમાં ફક્ત 2,533 સંપતિઓ નોંધાયેલી છે. જ્યારે શિયા વક્ફ બોર્ડની માત્ર 430 મિલકતો જ સત્તાવાર રીતે નોંધાયેલી છે. જ્યારે વક્ફ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ તેના કરતા ઘણા વધારે છે. સુન્ની વક્ફ બોર્ડ પાસે 1,24,355 સંપતિઓ છે અને શિયા વક્ફ બોર્ડ પાસે 7785 સંપતિઓ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી વિગતવાર રિપોર્ટ
સરકારી અને ગામડાની સામુદાયિક જમીનોને વકફ સંપતિ તરીકે જાહેર કરી શકાતી નથી. તેમ છતાં ઉત્તર પ્રદેશમાં ઘણા કોઠાર, તળાવ અને તેના જેવી મિલકતોને મનમાની રીતે વકફ જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં તળાવની જમીનને વકફ જાહેર કર્યા બાદ, આ કેસ હાઇકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. તેના આધારે મહેસૂલ વિભાગને સમગ્ર રાજ્યમાં સર્વે કરવા સૂચના આપી છે. જેથી જાણી શકાય કે આવી કેટલી મિલકતોને ગેરકાયદેસર રીતે વકફ તરીકે જાહેર કરવામાં આવી છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
આપણ વાંચો: અંતે રાજ્યસભામાં પણ વકફ બિલને મંજૂરી; PM મોદીએ પાઠવ્યો સંદેશ
શું વક્ફ બોર્ડ જમીન માફિયા બની ગયું છે?
ગુરુવારે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં વક્ફ બિલ અને મહાકુંભ પર બોલતી વખતે આકરી ટિપ્પણી કરી હતી. સીએમ યોગીએ વક્ફ બોર્ડ પર જમીન પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે જાહેર અને ઐતિહાસિક સ્થળો પર તેના મનસ્વી દાવાઓ હવે સહન કરવામાં આવશે નહીં. પ્રયાગરાજમાં એક સભાને સંબોધતા મુખ્ય પ્રધાને કહ્યું, વક્ફ બોર્ડ શહેરોમાં જમીન પર પાયાવિહોણા દાવા કરી રહ્યું છે. કુંભ મેળાની તૈયારીઓ દરમિયાન પણ, તેમણે જાહેર કર્યું કે કાર્યક્રમ માટેની જમીન તેમની છે. પછી અમારે પૂછવું પડ્યું કે શું વક્ફ બોર્ડ જમીન માફિયા બની ગયું છે?”