યોગી સરકારે શમીને આપી ક્યારેય ના ભૂલાય એવી ભેટ…
લખનઉ: જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં ફાઇનલમાં પહોંચી ગઈ હોય, તો તેનો મોટાભાગનો શ્રેય મોહમ્મદ શમીને જાય છે. મોહમ્મદ શમીની બોલિંગને લઈને દરેક જગ્યાએ ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ક્રિકેટર મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2023માં તેના શાનદાર પ્રદર્શન બદલ મોટી ભેટ આપી છે.
યોગી સરકારે મોહમ્મદ શમીના મૂળ ગામ અમરોહાના સહસપુર અલીનગરમાં મિની સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. વહીવટીતંત્રની આ જાહેરાત બાદ ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. CDO અશ્વની કુમાર મિશ્રા અને અન્ય અધિકારીઓએ જોયા ડેવલપમેન્ટ બ્લોક સ્થિત શમીના ગામની મુલાકાત લીધી હતી. સ્ટેડિયમ માટે જમીનની તપાસ કરી અને અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા હતા. શમીનો પરિવાર ગામમાં જ રહે છે. શમી પણ અહીં આવતો રહે છે. આ સમાચાર બાદ શમીના ગામમાં ખુશીનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર મોહમ્મદ શમીએ અત્યાર સુધી માત્ર 6 મેચ રમી છે, પરંતુ તે આ મેચોમાં 23 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. જેની સાથે દરેકને ફરી એકવાર આ ફાઇનલમાં ખેલાડી પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે. મોહમ્મદ શમી આ વર્લ્ડ કપમાં ભારતનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે. તેણે બુધવારે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં સાત વિકેટ ઝડપી હતી.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ માને છે કે શમી રવિવારે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં મહત્વની ભૂમિકા ભજવશે કારણકે શમી બોલને કોઇ પણ રીતે મુવ કરી શકે છે. શમીના શાનદાર પ્રદર્શનને જોઈને યોગી સરકાર તેના ગામ સહસપુર અલીનગરમાં મિની સ્ટેડિયમ અને ઓપન જિમ બનાવવાની જાહેરાત કરી હતી.