યોગી આદિત્યનાથ સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળશે
લોકસભા ચૂંટણીમાં નવ વિધાનસભ્યો સાંસદ બન્યા બાદ ખાલી પડેલી કટેહારી, મિલ્કીપુર, કરહાલ, ફુલપુર, મઝવાન, ગાઝિયાબાદ, મીરાપુર, કુંડારકી અને ખેર બેઠકો ઉપરાંત કાનપુરની વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી પર પણ ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)
લખનઉ: યોગી આદિત્યનાથ આજે (બુધવારે) સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળશે. આ અંગે ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ સરકારે તેને સામાન્ય સૌજન્ય મુલાકાત ગણાવી છે. વાસ્તવમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સવારના સમયે પોતાના નિવાસ સ્થાને પાર્ટીના પ્રધાનોની બેઠક બોલાવી હતી એટલે એવી અટકળો લાગી રહી છે કે કદાચ તેઓ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવા માગે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ અપેક્ષા કરતાં ઘણો નબળો રહ્યો હતો, આ પરિણામોથી મોવડીમંડળ ઉપરાંત યોગી ખુદ પણ નારાજ છે. આથી તેઓ રાજીનામું આપે એવી સંભાવના છે. બીજી અટકળો એવી લાગી રહી છે કે રાજ્યની કેબિનેટનું લાંબા સમયથી અટકી પડેલું વિસ્તરણ આગામી અઠવાડિયામાં કરી નાખવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોઈ શકે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ઉથલપાથલના એંધાણઃ કેશવ પ્રસાદ મૌર્યનું ટ્વીટ અને યોગીની બેઠક શું કહે છે?
આજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી અંગે તેમના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં ચર્ચા કરી હતી. આ બેઠકમાં અનેક પ્રધાનો હાજર રહ્યા હતા.
પ્રધાનોને જવાબદારીઓની ફાળવણી
આગામી પેટાચૂંટણીમાં બેઠકને આધારે પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ પ્રધાનોએ તેમના સંબંધિત ક્ષેત્રમાં અઠવાડિયામાં બે દિવસ-રાત રોકાણ કરવાનું રહેશે. કેબિનેટ પ્રધાન સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે બેઠકમાં વિકાસ પ્રોજેક્ટ્સ, પૂરની સ્થિતિ વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપે આ તમામ 10 બેઠકો જીતવી અત્યંત મહત્ત્વનું હોવાથી પેટાચૂંટણીની પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં મુખ્ય પ્રધાન યોગીએ બધા જ પ્રધાનોને ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી પોતાના પ્રભારી વિસ્તારોમાં બે દિવસ અને રાત રોકાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પૂર અંગ પણ ચર્ચા થઈ
મુખ્ય પ્રધાન દ્વારા તમામ પાલક પ્રધાનોને સૂચના પણ આપવામાં આવી છે કે દરેકે જૂથ કાર્યકરો સાથે વાત કરવી અને બુથને વધુ મજબૂત બનાવવા પર વધુ ધ્યાન આપવું. ત્રણ પ્રધાનો ઉપરાંત દરેક સીટ પર સંગઠનના એક અધિકારીને તૈનાત કરવામાં આવ્યા છે. બેઠક બાદ કેબિનેટ પ્રધાન સ્વતંત્ર દેવ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, તાજેતરમાં આવેલા પૂર, અટકેલા વિકાસ કામો અને આગામી ચૂંટણીઓ પર ચર્ચા થઈ હતી. પખવાડિયામાં રાજ્યના 17 જિલ્લાના 700થી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે.
કઈ બેઠકો પર પેટાચૂંટણી
લોકસભા ચૂંટણીમાં નવ વિધાનસભ્યો સાંસદ બન્યા બાદ ખાલી પડેલી કટેહારી, મિલ્કીપુર, કરહાલ, ફુલપુર, મઝવાન, ગાઝિયાબાદ, મીરાપુર, કુંડારકી અને ખેર બેઠકો ઉપરાંત કાનપુરની વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. સપા પાસે અત્યારે કરહાલ, કુંડારકી, કટેહારી, મિલ્કીપુર અને કાનપુરની સિસામાઉ બેઠકો છે. જ્યારે ફુલપુર, ખેર અને ગાઝિયાબાદ બેઠક પર ભાજપના વિધાનસભ્યો છે. ભાજપના સહયોગી આરએલડીએ મીરાપુર સીટ અને નિષાદ પાર્ટીએ મઝવાન સીટ પર જીત મેળવી હતી.