Mahakumbh 2025: પવિત્ર મહાકુંભ મેળાનો દબદબાભેર પ્રારંભ, 1. 50 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી પોષ પૂર્ણિમા સ્નાન સાથે મહાકુંભ મેળાનો(MahaKumbh 2025)પ્રારંભ થયો છે. જેમાં અત્યાર સુધી દોઢ કરોડ લોકોએ ગંગા અને સંગમમાં પવિત્ર ધાર્મિક ડૂબકી લગાવી હતી. મહાકુંભમાં આવનારા તમામ શ્રદ્ધાળુઓ, સંતો અને કલ્પવાસીઓનું યુપીના સીએમ યોગી આદિત્યનાથે શુભેચ્છા પાઠવી હતી. તેમણે મહાકુંભને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક ગણાવ્યું છે.
ત્રિવેણીમાં સ્નાન કરવાનો પવિત્ર અવસર સાંપડ્યો
મહાકુંભના પ્રારંભે યુપીના સીએમ યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, “માનવતાના શુભ પર્વ ‘પૌષ પૂર્ણિમા’ ના શુભ અવસર પર સંગમમાં સ્નાન કરવાનો મોકો મેળવનારા તમામ સંતો, કલ્પવાસીઓ, શ્રદ્ધાળુઓને હાર્દિક અભિનંદન, આજે પ્રથમ સ્નાન મહોત્સવમાં 1.50 કરોડ સનાતન શ્રદ્ધાળુઓએ અવિરત અને સ્વચ્છ ત્રિવેણીમાં સ્નાન કરવાનો પવિત્ર અવસર સાંપડ્યો.
પોષ પૂર્ણિમાએ ગંગા સ્નાનનું અનેરું મહત્વ
પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાનના મહત્વ અંગે જણાવતા પુજારી રાજેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે પોષ મહિનાના શુક્લ પક્ષના 15મા દિવસે પોષ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવાથી તમામ પ્રકારના પાપ ધોવાઈ જાય છે. તેમણે કહ્યું, એક માસ સુધી ચાલનારા કલ્પવાસની શરૂઆત પણ આજે પોષ પૂર્ણિમાથી થઈ. કલ્પવાસમાં લોકો એક મહિના સુધી દિવસમાં ત્રણ વખત ગંગામાં સ્નાન કરીને અને ભગવાનની પ્રાર્થના કરી એક પ્રકારનું કઠોર જીવન જીવે છે.