નૂતન વર્ષે CM યોગીએ ગોરખનાથ મંદિરે ગૌસેવા કરી: કહ્યું ‘ગોવર્ધન પૂજા ભારતની કૃષિ અર્થવ્યવસ્થાનું પ્રતીક’

ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે ગોરખપુરમાં આવેલા ઐતિહાસિક ગોરખનાથ મંદિરે ગોવર્ધન પૂજા કરી હતી અને ગાયોને ઘાસ ખવડાવીને ગૌસેવા કરી હતી. CM યોગીએ આ પ્રસંગે દેશને શુભેચ્છાઓ પાઠવતા ગાય અને ભારતીય કૃષિ અર્થતંત્રના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ગોવર્ધન પૂજા કૃષિ અર્થવ્યવસ્થાનું પ્રતીક
ગોવર્ધન પૂજાના પવિત્ર અવસરે CM યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, “આજે દીપોત્સવના પાંચ દિવસીય ભવ્ય ઉત્સવનો ભાગરૂપ પવિત્ર ગોવર્ધન પૂજા છે. આ પ્રસંગે હું સમગ્ર દેશને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ગોવર્ધન પૂજાની ઉજવણી ભારતની કૃષિ અર્થવ્યવસ્થાનું પ્રતીક છે.”તેમણે ઉમેર્યું હતું કે, ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગોવર્ધન પૂજા ગાયો અને તેમના સંતાનોનું મહત્વ દર્શાવે છે.
ગાયોની સેવા અને ગોવર્ધન યોજના
ગૌસેવા અંગે વાત કરતાં CM યોગીએ કહ્યું કે, “આજે સવારે મને અહીં ગાયોની પૂજા અને તેમની સેવા કરવાનો અવસર મળ્યો તે મારું સૌભાગ્ય છે. ભારતીય પશુધન ભારતની સમૃદ્ધિનો પાયો રહ્યું છે.”હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે અને ખાસ કરીને વ્રજ ક્ષેત્રમાં આ પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ઉઠાવીને દેવરાજ ઇન્દ્રના પ્રલયકારી વરસાદથી વ્રજવાસીઓની રક્ષા કરી હતી. ત્યારથી જ આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો…અયોધ્યા ઝગમગ્યું લાખો દિવડાઓથીઃ ક્યારેય ન જોયું હોય તેવું પાવન અવસરની જૂઓ તસવીરો