ઈન્ડી ગઠબંધન લોકોને જાતી, ધર્મમાં વિભાજિત કરીને દેશમાં લૂંટ ચલાવવા માગે છે: યોગી આદિત્યનાથ
(અમારા પ્રતિનિધિ તરફથી)
બલરામપુર (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે એવો આક્ષેપ કર્યો હતો કે ઈન્ડી ગઠબંધન દેશને ધર્મ અને જાતીના નામ પર વિભાજિત કરીને લૂંટવાની યોજના બનાવી રહ્યું છે.
આદિત્યનાથે ઉપરોક્ત નિવેદન લોકસભાની શ્રાવસ્તી મતદારસંઘમાં બલરામપુર ખાતે પ્રચારસભામાં આવ્યું હતું.
ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લોકોની સેવા કરી રહી છે. અમે કોઈ ભેદભાવ કર્યા વગર સબકા સાથ, સબકા વિકાસના સૂત્ર સાથે કામ કરી રહ્યા છીએ, જ્યારે ઈન્ડી ગઠબંધન દેશને લૂંટવા માગે છે અને તેથી જ ધર્મ અને જાતીના આધારે લોકોને વિભાજિત કરવાની યોજના બનાવી રહ્યા છે, જેને હવે થવા દેવામાં આવશે નહીં, એમ તેમણે કહ્યું હતું.
મુખ્ય પ્રઘાને કહ્યું હતું કે લોકોને હવે ઈન્ડી ગઠબંધનના ઈરાદાની જાણ થવા લાગી છે અને તેથીજ તેઓ હવે એક અવાજે કહી રહ્યા છે કે ‘ફિર એક બાર મોદી સરકાર, અબ કી બાર, 400 પાર.’
હવે લોકો વિપક્ષી ગઠબંધનને જવાબ આપી રહ્યા છે કે ‘જે રામ લાવ્યા તેમને અમે લાવીશું,’ એમ પણ તેમણે કહ્યું હતું.
આદિત્યનાથે એમ પણ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ પાર્ટીના સભ્યો રામ વિરોધી, દેસ વિરોધી અને ગરીબ વિરોધી છે.
તેઓ દેશના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વર્ગના લોકોના અધિકારોને ચાતરી જવાની યોજના ઘડી રહ્યા છે અને તેથી લોકોએ સતર્ક રહેવાની આવશ્યકતા છે, એમ પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : Narendra Modi ને ત્રીજી વાર પીએમ બનાવો, છ મહિનામાં POK ભારતનું હશે : યોગી આદિત્યનાથ
વિપક્ષી ગઠબંધન સત્તા મેળવવા માટે બધી જ પ્રકારની યુક્તિઓ અપનાવી રહ્યા છે.
તેમના કૃત્યો છુપા નથી. તેઓ દેશમાંથી ગરીબી હટાવવા માટે આપણા વડવાઓએ આપેલી સંપત્તિનું સર્વેક્ષણ કરવાની વાત કરી રહ્યા છે. આપણે સતર્ક રહેવાની આવશ્યકતા છે કેમ કે તેઓ ઈનહેરિટેન્સ (વારસા) ટેક્સ લાદવા માગે છે, જે ઔરંગઝેબ દ્વારા લાદવામાં આવેલા જજિયા વેરા જેવો જ હશે, એમ પણ આદિત્યનાથે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે આટલું જ નહીં તેઓ આ સંપત્તિ બાંગલાદેશ, પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી આવેલા ઘૂસણખોરોને આપી દેશે. જોકે, ભાજપ આવું થવા દેશે નહીં. ઔરંગઝેબનો આત્મા અત્યારે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસમાં પ્રવેશ્યો છે. (પીટીઆઈ)