કોર્ટે Karnatakaના પૂર્વ મુખ્યપ્રધાન B.S. Yediyurappa પર POCSO હેઠળ ધરપકડનું વોરંટ કર્યું જારી
નવી દિલ્હી: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાની વિરુદ્ધ POCSO જેવા ગંભીર ગુનામાં બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે પોલીસ જણાવ્યું હતું કે 17 વર્ષની સગીર છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા પર POCSO એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 354A (યૌન શોષણ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે તેણે 2 ફેબ્રુઆરીએ બેંગલુરુના ડોલર્સ કોલોનીમાં તેના નિવાસસ્થાને મીટિંગ દરમિયાન તેની પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું.
હાલ યેદિયુરપ્પા દિલ્હીમાં છે અને CID દ્વારા તેમના વિરુદ્ધ POCSO કેસની તપાસ ચાલી રહી છે. CIDએ કોર્ટમાં યેદિયુરપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવા માટે અરજી કરી હતી, જો કે હવે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. અગાઉ ગૃહમંત્રીએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો CID યેદિયુરપ્પાની ધરપકડ કરી શકે છે. CIDએ યેદિયુરપ્પાને આ કેસમાં 12 જૂને હાજર થવા કહ્યું હતું, પરંતુ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેઓ દિલ્હીમાં છે અને તેથી 17 જૂને CID સમક્ષ હાજર થશે.
આ પણ વાંચો : ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ સામે સગીરા પર જાતીય સતામણીનો કેસ પોકસો હેઠળ એફઆઇઆર
આ બનાવની વાત કરવામાં આવે તો 14 માર્ચે એક મહિલાએ બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે જ્યારે બંને કોઈ કામ માટે યેદિયુરપ્પાના ઘરે ગયા હતા ત્યારે યેદિયુરપ્પાએ તેની સગીર પુત્રીનું યૌન શોષણ કર્યું હતું. મામલાની ગંભીરતા જોતાં કર્ણાટક સરકારે મામલાની તપાસ CIDને સોંપી દીધી હતી. બીએસ યેદિયુરપ્પા પણ આ કેસમાં એક વખત સીઆઈડી સમક્ષ હાજર થયા હતા.
આ દરમિયાન ફરિયાદી મહિલાનું 26 મેના રોજ મૃત્યુ થયું છે. તે ઘણા સમથી બીમાર હતા તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. આ પછી પીડિતાના ભાઈએ કર્ણાટક હાઈકોર્ટમાં રિટ અરજી કરી અને યેદિયુરપ્પાની ધરપકડની માંગ કરી હતી તો બીજી તરફ બીએસ યેદિયુરપ્પાએ આ POCSO કેસને ફગાવી દેવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી. યેદિયુરપ્પાએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જો કે હવે ધરપકડ વોરંટ જારી થયા બાદ યેદિયુરપ્પાની મુશ્કેલીઓ વધી શકે છે.