બિહારમાં XUV ટ્રેક્ટર સાથે અથડાઈ; 8ના મોત અને 5 ઘાયલ

પટણાઃ ખગરિયામાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. એક XUV એ ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. ત્યાં પાંચ લોકો ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે ખગરિયા સદર હોસ્પિટલથી ભાગલપુરની માયાગંજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી.
ઘટના બાદ આ વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
આ ઘટના આજે સવારની જ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મડૈયા ઓપી વિસ્તારના બિથલા ગામના ઇન્દ્રદેવ ઠાકુરના પુત્ર સૌરભ કુમારની લગ્નની જાન એક એક્સયુવી ફોર વ્હીલરમાં ચૌથમ પોલીસ સ્ટેશન વિસ્તારના થુથી મોહનપુરથી બિથલા તરફ પરત ફરી રહી હતી. રાતના ત્રણ-ચાર વાગ્યાનો સમય હતો. રાતનો સમય અને અંધારિયા રસ્તાને ચીરતી XUV પૂરપાટ વેગે જઇ રહી હતી. હાઇવે પર સ્પીડમાં જતી XUVએ ટ્રેક્ટરને જોયું નહોતુ અને તેને પાછળથી ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બિથલાના પ્રકાશ સિંહ અને સૌરભ કુમારના પિતરાઈ ભાઈ ગૌતમ કુમાર, અંશુ કુમાર, પલ્ટુ ઠાકુર, દિલોન કુમાર અને તેમના અન્ય સંબંધીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બિથલાના પાંચ લોકો ઘાયલ થયા છે. આ ભયાનક અકસ્માતના પગલે હોબાળો મચી ગયો હતો.
પોલીસ અધિકારીએ આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ ખાગરિયા મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.