આ મહાશયે આ કારણોસર આપી ભારત છોડવાની વણમાગી સલાહઃ તમારું શું માનવાનું છે?
મુંબઈ: વધુ સારી લાઈફસ્ટાઈલ માણવા ભારતમાંથી દર વર્ષે લાખો લોકો વિકસિત દેશો તરફ દોટ મુકે છે. એવામાં સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ X પર એક યુઝરે કરેલી એક પોસ્ટ હાલ ચર્ચામાં છે. એક યુઝરે સલાહ આપી હતી કે જો તમારી પાસે પુરતા રૂપિયા છે તો જલ્દીથી ભારત છોડી દો, ભારતમાં મહીને રૂ.50 હજાર કમાનાર ભિખારીને જેમ જીવે છે.
યુઝરે બળાપો કાઢતા લખ્યું કે “હું ભારત છોડીને 2025માં કાયમી ધોરણે સિંગાપોરમાં શિફ્ટ થઈશ, ડોક્યુમેન્ટેશન પ્રોસેસમાં છે. હું અહીંના રાજકારણીઓથી થાકી ગયો છું. 40% ટેક્સ ચૂકવીને હું પ્રદૂષિત હવા શ્વાસ લઈ શકતો નથી, જ્યારે કોઈ જવાબદારી લેતું નથી.” આ પોસ્ટ કરનાર યુઝર સિદ્ધાર્થ સિંહ ગૌતમ સિવિલ એન્જિનિયર અને વેપારી છે.
₹50,000 કમાનારને આપી સલાહ:
તેમણે લખ્યું કે “મારું પ્રમાણિક સૂચન એ છે કે જો તમારી પાસે સારા પૈસા હોય, તો પ્લીઝ ભારત છોડી દો.” બીજી પોસ્ટમાં, સિદ્ધાર્થે મહિને ₹50,000 કરતાં ઓછી કમાણી કરનારા લોકો માટે સલાહ આપી હતી. તેણે લખ્યું કે, “જો તમે ભારતમાં અંદાજે ₹50 હજાર પગાર મેળવો છો, તો તમે ભિખારી જેવું જીવન જીવી રહ્યા છો. તમે બાલી અથવા થાઈલેન્ડમાં ₹50 હજાર કમાઈને રાજાની જેમ જીવી શકશો. તમે બને તેટલી વહેલી તકે અહીંથી નીકળી જાઓ.”
યુઝર્સની પ્રતિક્રિયા:
આ પોસ્ટે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. કેટલાક યુઝર્સ સિદ્ધાર્થની પોસ્ટ સાથે સંમત થયા હતા. તો કેટલાક લોકો ભારત છોડવાની સલાહ પર રોષે ભરાયા હતા.
Also Read – આકાશ vs જમીનની લડાઈ, કાર પર 6E લખવા બદલ ઈન્ડિગો મહિન્દ્રાને લઈ ગઈ કોર્ટમાં
કેટલાક યુઝર્સે કમેન્ટમાં લખ્યું કે જો કોઈને પરવડી શકે તેમ હોય, તો વધુ સારા જીવનધોરણ માટે વિદેશ જવાનું વિચારવું. તો ઘણાએ લખ્યું કે, “તમે છોડવાને બદલે દેશની ભલાઈ માટે કામ કેમ નથી કરતા!”
અન્ય એક યુઝરે લખ્યું કે તમારા X હેન્ડલ પરથી રાષ્ટ્રધ્વજ હટાવી દો. જેના જવાબમાં સિદ્ધાથે લખ્યું કે મને દેશ સાથે કોઈ સમસ્યા નથી. મને રાજકારણીઓ અને ખરાબ હવા સાથે સમસ્યા છે જે અત્યારે ખતરનાક સ્તરે છે. મારા આખા જીવનમાં રાષ્ટ્રધ્વજએ હટાવવાનો નથી.