‘એક્સ બોયફ્રેન્ડની જાસૂસી કરાવે છે!’: મહુઆ મોઇત્રા પર લાગ્યો નવો આરોપ…
TMC નેતા મહુઆ મોઇત્રાએ કરેલા જૂના પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યા છે. સંસદમાં પ્રશ્નો પૂછવા માટે લાંચ લેવાના આરોપોનો સામનો કરી રહેલા મહુઆ મોઇત્રાના હાથમાંથી પહેલા સાંસદ પદ ગયું, અને હવે તેમના પર વધુ એક આરોપ લાગ્યો છે, જેના છેડા તેમના વર્ષો જૂના પ્રેમસંબંધને અડે છે.
મહુઆ મોઇત્રા અને સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઇ રિલેશનશીપમાં હતા એ વાત હવે બધાને ખબર છે, આ એ જ દેહાદ્રાઇ કે જેમણે મહુઆ પર લાંચના આરોપો અંગે સીબીઆઇ તપાસની માગ કરી હતી. હવે તેમણે આરોપ મુક્યો છે કે મહુઆ પશ્ચિમ બંગાળ પોલીસના અમુક વરિષ્ઠ અધિકારીઓ સાથેની સાંઠગાંઠનો ઉપયોગ કરીને તેમના પૂર્વ પ્રેમીઓ પર જાસૂસી કરાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સીબીઆઇ ચીફ પ્રવિણ સૂદને પત્ર લખીને દેહાદ્રાઇએ મહુઆ સામે પગલા લેવાની માગ કરી હતી.
29 ડિસેમ્બરના રોજ લખાયેલા પત્રમાં દેહાદ્રાઇએ જણાવ્યું છે કે તેમને શંકા છે કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની મદદ લઇને મહુઆ તેમના ફોન નંબરને ટ્રેક કરાવે છે. તે પહેલા પણ આવું કરી ચુકી છે, જ્યારે મહુઆ મોઇત્રા સુહાન મુખર્જી નામના વ્યક્તિ સાથે સંબંધમાં હતી ત્યારે તેણે તેનું લોકેશન સહિતની વિગતો ટ્રેસ કરાવી હતી. તેને શંકા હતી કે સુહાન મુખર્જીનું કોઇ જર્મન મહિલા સાથે અફેર છે. મહુઆ તેની કોલ ડિટેલ્સ મેળવતી હતી. તે ક્યાં જાય છે, કોને મળે છે તે બધી વિગતો તેની પાસે આવી જતી હતી.
આ પ્રકારના જય અનંત દેહાદ્રાઇના આરોપો બાદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકી હતી, જેમાં તેણે દેહાદ્રાઇના આક્ષેપોનો જવાબ આપતા લખ્યું હતું કે, “હું ગૃહ મંત્રાલયને વિનંતી કરું છું કે તેઓ ભારતના તમામ એક્સ બોયફ્રેન્ડની ફરિયાદોની તપાસ માટે એક ખાસ સીબીઆઇ ઓફિસરની નિમણુક કરવામાં આવે.” એ પછી તેમણે પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.