નવું ગરબા ગીત લખ્યું છે, નવરાત્રિમાં શૅર કરીશ: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે છેલ્લાં થોડાં દિવસ દરમિયાન મેં એક નવું ગરબા ગીત લખ્યું છે અને નવરાત્રિ દરમિયાન હું એ ગીત લોકો સાથે શૅર કરીશ.
વરસો અગાઉ લખેલા અન્ય એક ગરબા ગીતને સંગીત સ્વરૂપ આપવા બદલ મોદીએ ધ્વનિ ભાનુશાલી અને તનિષ્ક બાગચી તેમ જ જસ્ટ મ્યુઝિકની ટીમનો એમ કહીને આભાર માન્યો હતો કે આને કારણે જૂની અનેક યાદો તાજી થઈ ગઈ.
છેલ્લાં ઘણાં વરસથી મેં કંઈ લખ્યું નહોતું, પરંતુ છેલ્લાં થોડાંક દિવસ દરમિયાન મેં એક નવો ગરબો લખ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
૧૫ ઑક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ગરબા ગુજરાતી નૃત્યનો જ એક પ્રકાર છે અને સામાન્ય રીતે તે નવરાત્રિના નવ દિવસ દરમિયાન જ કરવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.
ભાનુશાલીએ સોશિયલ મીડિયા પર કરેલી પૉસ્ટમાં લખ્યું હતું કે મોદીજી, તમે લખેલો ગરબો મને અને તનિષ્ક બાગચીને ખૂબ જ ગમ્યો છે. આ ગરબાને અમે સંગીત સ્વરૂપ આપી રજૂ કરવા ઈચ્છતા હતા. જસ્ટ મ્યુઝિકે આ ગીત અને તેનો વીડિયો બનાવી તેને રજૂ કરવામાં અમને મદદ કરી છે.
સોશિયલ મીડિયા પરની અન્ય એક પૉસ્ટમાં મોદીએ તાજેતરની તેમની ઉત્તરાખંડની મુલાકાતની તસવીર શૅર કરી હતી.
જો કોઈ મને પૂછે કે ઉત્તરાખંડમાં એક સ્થળની મુલાકાત લેવી હોય તો ક્યા સ્થળની મુલાકાત લેવી? જેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે પાર્વતી કૂંડ અને રાજ્યના કૂમાન વિસ્તારમાં આવેલા જગેશ્ર્વર મંદિરની, એમ તેમણે કહ્યું હતું. ત્યાંનું કુદરતી સૌંદર્ય અને દિવ્યતા તમને અવાક કરી દેશે, એમ મોદીએ કહ્યું હતું.
જોકે, ઉત્તરાખંડમાં મુલાકાત લેવા જેવા અન્ય અનેક સ્થળ છે જેમાં કેદારનાથ, બદરીનાથ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થળોની મુલાકાત સૌથી યાદગાર અનુભવ હોવાનું તેમણે કહ્યું હતું, પરંતુ વરસો બાદ પાર્વતી કૂંડ અને જોગેશ્ર્વ મંદિરની મુલાકાત વિશેષ હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)