નેશનલ

સાક્ષી-વિનેશના આંસુ પછી કુસ્તીબાજોએ નવા WFI પ્રમુખ સામે ફરી મોરચો ખોલ્યો

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદ માટેની ચૂંટણીના પરિણામો ગુરુવારે આવ્યા હતા. આ સમાચાર આવ્યા બાદ બ્રિજ ભૂષણ શરણ સિંહ ફરી એકવાર સમાચારમાં આવી ગયા છે. બ્રિજ ભૂષણના નજીકના ગણાતા સંજય સિંહે અનિતા શિયોરાનને હરાવીને પ્રમુખ પદ મેળવ્યું છે. ગુરુવારે ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. આ જાહેરાત કરતી વખતે તે રડી પડી હતી. આ સિવાય ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં વિનેશ ફોગાટ પણ પોતાના આંસુ છુપાવી શકી ન હતી. WFIના નવા પ્રમુખ સંજય સિંહ અને બ્રિજ ભૂષણ સામે કુસ્તીબાજો ફરી એકવાર એક થવા જઈ રહ્યા છે. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા વિનેશે કહ્યું હતું કે હવે જ્યારે સંજય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, ત્યારે મહિલા કુસ્તીબાજો સામે ઉત્પીડન ચાલુ રહેશે અને તેમને ન્યાય નહીં મળે. આમ કહેતા તેની આંખો ભરાઇ આવી હતી. ભારતીય કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે એ જોઇને ઘણું દુઃખ થાય છે. સાક્ષીએ કહ્યું હતું કે તે મહિલા પ્રમુખ ઈચ્છે છે, પણ તેમ થયું નહીં.

દરમિયાન ચૂંટણી જીત્યા પછી, સંજય બ્રિજ ભૂષણને તેમના ઘરે મળ્યા હતા અને તેમને મોટા ભાઈ કહીને બોલાવ્યા હતા. સંજયે કહ્યું- અમારો સંબંધ મોટા અને નાના ભાઈ જેવો છે. અમારા પરિવારો કાશી અને અયોધ્યામાં કુસ્તીનું આયોજન કરતા હતા ત્યારથી અમે એકબીજાને ઓળખીએ છીએ. સંજયે એમ પણ કહ્યું હતું કે આ મારી જીત નથી, પરંતુ આખા દેશના કુસ્તીબાજોની જીત છે.


સંજયની ચૂંટણી જીતને બજરંગ પુનિયા, વિનેશ અને સાક્ષી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આ સમગ્ર વિવાદ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયો હતો અને ત્યારબાદ સાક્ષી, વિનેશ અને બજરંગ પુનિયા સહિત કેટલાક મોટા કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. જૂનમાં, કુસ્તીબાજોએ તેમની હડતાલ સમાપ્ત કરી અને તમામ કુસ્તીબાજો કામ પર પાછા ફર્યા. દરમિયાન, વર્લ્ડ રેસલિંગ ફેડરેશને WFI ને સમયસર ચૂંટણી ન કરાવવા બદલ સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યાર બાદ 21 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ અને સંજય જીત્યા હતા. આ મુદ્દે ફરી રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહે કહ્યું- કુસ્તીબાજ સાક્ષી મલિકની નિવૃત્તિથી રમત જગત ખૂબ જ દુઃખી અને પરેશાન છે. અમે લોકો પાસે જઇશું અને મહિલા એથ્લેટ્સની સુરક્ષા વિશે વાત કરીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button