આજે નવરાત્રીનો અંતિમ દિવસ છે. નવમા નોરતને મહાનવમી કહેવામાં આવે છે. નવરાત્રીની પૂર્ણાહુતિ મા દુર્ગાના નવમાં સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની પૂજા સાથે થાય છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ સિદ્ધ છે અને મોક્ષ આપનારું છે, આથી માતાને મા સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણી પૌરાણિક કથાઓ અનુસાર, એવું પણ કહેવાય છે કે ભગવાન શિવને દેવી સિદ્ધિદાત્રી પાસેથી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. આવો, ચાલો જાણીએ નવરાત્રિના 9મા દિવસે દેવી સિદ્ધિદાત્રીની વિશેષ પૂજા પદ્ધતિ, અર્પણ અને મહત્વ વિશે.
નવરાત્રિના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીની જેમ કમળના પુષ્પ પર બિરાજમાન માતા સિદ્ધિદાત્રીના હાથમાં પદ્મ, ગદા, સુદર્શન ચક્ર અને શંખ છે. આ દિવસે માતાની પૂજા નવહન પ્રસાદ, નવ પ્રકારના ફળ અને ફૂલથી કરવી જોઈએ. સિદ્ધિદાત્રી દેવીને જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.
મા સિદ્ધિદાત્રીની પૂજાનું મહત્વ:
નવરાત્રિના નવ દિવસ ઉપવાસ અને પૂજા કરવાથી ભક્તો દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને ઇચ્છિત ફળ પામે છે. તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ – આ આઠ સિદ્ધિઓ છે જે દેવો, દેવીઓ, ગંધર્વો, ઋષિઓ અને અસુરો પણ સંપૂર્ણ વિધિપૂર્વક માતા સિદ્ધિદાત્રીની પૂજા કરીને પ્રાપ્ત કરી શકે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના કરીને સિદ્ધિઓની પ્રાપ્તિની સાથે માણસ અંતે જીવન-મરણના ચક્રમાંથી બહાર આવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે.
કેવી રીતે કરશો માનવમીની પૂજા:
મહા નવમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ દિવસે 9 અથવા શક્તિ મુજબ પાંચ કન્યાઓને ભોજન કરાવવુ જોઈએ. કન્યાઓના પગને દૂધ અથવા પાણીથી ધોઈ, ત્યારબાદ કંકુનો ચાંદલો કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. ત્યારબાદ કન્યાઓને ભોજન કરાવી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ.
મા સિદ્ધિદાત્રીનો મંત્ર:
सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥
वन्दे वांछित मनोरथार्थ चन्द्रार्घकृत शेखराम्।
कमलस्थितां चतुर्भुजा सिद्धीदात्री यशस्वनीम्॥
Also Read –