વિશ્વની સૌથી તાકાતવર નૌસેનાઓ જાહેર; જાણો શક્તિશાળી નૌસેનાઓની યાદીમાં ભારતનું સ્થાન

નવી દિલ્હી: તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવમાં ભારતની સેનાની ચારેબાજુ ચર્ચા થઈ હતી. ઇંડિયન આર્મીએ પાકિસ્તાનનાં આશરે ઉછરી રહેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને ધૂળમાં ભેળવી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાને જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે પણ અનેક સૈન્ય ઠેકાણાઓ અને એરબેઝને ખૂબ મોટું નુકસાન પહોંચાડીને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી વોરશિપ 2025 દ્વારા વિશ્વની સૌથી શક્તિશાળી નૌસેનાની યાદી જાહેર કરવામાંઆવી છે.

અમેરિકાની નૌસેના સૌથી શક્તિશાળી
અહેવાલ અનુસાર, અમેરિકાની નૌસેના અત્યાધુનિક અને શક્તિશાળી માનવામાં આવે છે. તેમની પાસે પરમાણુ ઊર્જાથી ચાલતા 11 એરક્રાફ્ટ કેરિયર, 68 સબમરીન, 76 ડેસ્ટ્રોયર અને 34 એમ્ફીબિયસ જહાજો સહિત કુલ 232 યુદ્ધ જહાજો છે.
સંખ્યાની દ્રષ્ટિએ ચીન વિશ્વમાં સૌથી આગળ
સંખ્યાની દ્રષ્ટિએ ચીન વિશ્વમાં સૌથી આગળ છે. તેમની પાસે 3 એરક્રાફ્ટ કેરિયર, 73 સબમરીન છે જેમાંથી 18 પરમાણુ ક્ષમતાવાળી, 47 ડેસ્ટ્રોયર અને 127 કોસ્ટલ પેટ્રોલ જહાજો સહિત 405 સક્રિય યુદ્ધ જહાજો છે. આ યાદીમાં રશિયા ત્રીજા ક્રમે છે, જેની પાસે 283 જહાજો છે, જેમાં મુખ્યત્વે સબમરીન અને ઝડપી કોર્વેટનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયા 245 યુદ્ધ જહાજો સાથે ચોથા અને દક્ષિણ કોરિયા 147 જહાજો સાથે પાંચમા સ્થાને છે.

ભારતનું સ્થાન સાતમું
જાપાનને એશિયાની સૌથી સંગઠિત અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન નૌસેનાઓમાં ગણવામાં આવે છે અને તે છઠ્ઠા ક્રમે છે. ભારત આ યાદીમાં સાતમા સ્થાને છે. ભારત પાસે હાલમાં બે વિમાનવાહક યુદ્ધ જહાજો – આઈએનએસ વિક્રમાદિત્ય અને સ્વદેશી રીતે નિર્મિત આઈએનએસ વિક્રાંત છે. આ ઉપરાંત, ભારતીય નૌસેનાના કાફલામાં 13 વિનાશક, 14 ફ્રિગેટ, 18 કોર્વેટ, 29 ઓશન પેટ્રોલ વેસલ (OPV), 5 યુદ્ધ જહાજો અને 19 સબમરીન છે જેમાંથી બે પરમાણુ સંચાલિત છે, તે સહિત કુલ 100 સક્રિય યુદ્ધ જહાજો છે.
પાકિસ્તાનને પડખે જનારું તુર્કીયે દસમા ક્રમે
ફ્રાન્સ આઠમા ક્રમે છે, જેની પાસે પરમાણુ સંચાલિત વિમાનવાહક યુદ્ધ જહાજ ‘શાર્લ દ ગૌલ’ સહિત 70 સક્રિય યુદ્ધ જહાજો છે. બ્રિટિશ રોયલ નેવી, જે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત નૌસેનાઓમાંની એક છે, તે બે આધુનિક વિમાનવાહક યુદ્ધ જહાજો સાથે નવમા ક્રમે છે. તુર્કીએ તાજેતરમાં પોતાનું પ્રથમ હેલિકોપ્ટરવાહક યુદ્ધ જહાજ સામેલ કર્યું છે અને તે આ યાદીમાં દસમા ક્રમે છે. વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી વોરશિપની આ યાદી વિશ્વની મુખ્ય નૌસેનાઓની તાકાત અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરે છે.