વિશ્ર્વને ભ્રષ્ટાચારમુક્ત સરકારની જરૂર: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે આજે વિશ્ર્વને સર્વસમાવેશક અને ભ્રષ્ટાચારમુક્ત સરકારની જરૂર છે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વરસોથી અમારો મંત્ર મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનો રહ્યો છે.
યુએઈની મુલાકાતના બીજે દિવસે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે ભારતમાં છેલ્લાં થોડા
વરસો દરમિયાન લોકોમાં સરકાર માટેનો વિશ્ર્વાસ વધ્યો છે. લોકોને ભારત સરકારના ઈરાદા અને તેની પ્રતિબદ્ધતામાં વિશ્ર્વાસ છે. અમે લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખી હોવાને કારણે આ શક્ય બન્યું છે, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના વડા પ્રધાન તરીકે મેં સરકારમાં ૨૩ વર્ષ કામ કર્યું છે અને અમારો મંત્ર મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનો રહ્યો છે.
મોદીએ કહ્યું હતું કે અમારી સરકારે મહિલાઓના વિકાસ, મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તીકરણ તેમ જ ભારતીય મહિલાઓની રાજકીય સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક ક્ષેત્રે દેશવાસીઓનો સમાવેશ અમારી સરકારની પ્રાથમિકતા રહી છે અને પચાસ કરોડ કરતા પણ વધુ લોકોને બૅન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વિશ્ર્વને આજે સર્વસમાવેશક, સૌને સાથે લઈને ચાલે તેવી તેમ જ ભ્રષ્ટાચારમુક્ત સરકારની જરૂર છે.
એક તરફ વિશ્ર્વ આધુનિકીકરણની દિશામાં આગળ વધી રહ્યું છે તો બીજી તરફ અગાઉની સદીઓના પડકારો વધુ તીવ્ર બની રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
આજે ટૅક્નોલોજી હકારાત્મક કે નકારાત્મક બંને બાબતે પડકારરૂપ બની રહી છે, એમ તેમણે કહ્યું હતું.
આતંકવાદના વિવિધ સ્વરૂપ માનવતા સામે દરરોજ નવા નવા પડકારો ઊભા કરી રહ્યા છે. આજે પ્રદૂષણ, પર્યાવરણ અને હવામાનમાં પલટાની સમસ્યા વધુ વ્યાપક બની છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે એક તરફ સ્થાનિક સમસ્યાઓ છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ પણ વકરી રહી છે.
યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયદની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું કે દુબઈ વૈશ્ર્વિક અર્થતંત્ર, વેપાર અને ટૅક્નોલોજીનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે અમારી સરકારે કાયમ પહેલ કરી છે, એમ મોદીએ કહ્યું હતું. (એજન્સી)