
નવી દિલ્હી: આજે વિશ્વ મેલેરિયા દિવસ(World Malaria Day) છે, આજના દિવસથી કેન્દ્ર સરકાર મચ્છરો વિરુદ્ધ મહત્વનું અભિયાન શરુ કરવા જઈ રહી છે. આજથી દેશના 12 રાજ્યોને મેલેરિયા મુક્ત બનાવવા માટેનું વ્યાપક અભિયાન શરુ થશે. આ અભિયાન માટે કેન્દ્ર સરકારને ગ્લોબલ ફંડ દ્વારા 541 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (NCVBDC) ની દેખરેખ હેઠળ એપ્રિલ 2024 થી માર્ચ 2027 સુધી આ અભિયાન ચલાવવામાં આવશે.
મેલેરિયા નાબૂદી પ્રોજેક્ટનો આ ત્રીજો અને અંતિમ તબક્કો દિલ્હી, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવશે.
જીવલેણ રોગ મલેરિયાને રોકવા અને તેના પર નિયંત્રણ કરવા માટે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2007થી દર વર્ષે 25મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં મેલેરિયા દિવસની થીમ છે ‘ન્યાયીસંગત વિશ્વ માટે મેલેરિયા સામેની લડતને વધુ તીવ્ર બનાવવી’.
પ્લાઝમોડિયમ પેરેસાઈટ કારણે થતો મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. મેલેરિયાને કારણે દર્દીના શરીરમાં લાલ રક્તકણોને ચેપ લગાડે છે. દર્દીને તાવ, શરદી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક જેવા લક્ષણો અનુભવાય છે. મેલેરિયા માટે હજુ સુધી કોઈ રસી બની શકી નથી, હાલમાં જ RTS નામની રસી આવી છે, જેને WHO તરફથી મંજૂરી મળવાની બાકી છે. ભારતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક કંપની રસીની શોધ કરી રહી છે.
એક અહેવાલ મુજબ અત્યાર સુધી દેશના 22 રાજ્યોમાં મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પુડુચેરી અને લક્ષદ્વીપમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી મેલેરિયાઓ કોઈ નવો કેસ નોંધાયો નથી. આ વર્ષના અંત સુધીમાં દેશના લગભગ 28 રાજ્યોને મલેરિયાથી મુક્ત જાહેર કરવામાં આવશે.
અહેવાલ મુજબ જ્યારે મલેરિયા રોગની નાબુદીની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે WHOના ધોરણો અનુસાર એક લાખ વસ્તી દીઠ કુલ કેસની ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ જિલ્લામાં એક લાખની વસ્તી દીઠ મેલેરિયાના સરેરાશ કેસ એક કે તેથી ઓછા હોય, તો તે જીલ્લાને મલેરિયા મુક્તની શ્રેણીમાં ગણવામાં આવશે.
ભારતમાં વર્ષ 2022 માં મેલેરિયાના 33.8 લાખ કેસ અને 5,511 મૃત્યુ નોંધાયા હતા, વર્ષ 2021 ની સરખામણીમાં કેસોમાં 30% ઘટાડો અને મૃત્યુમાં 34% નો ઘટાડો નોંધાયો હતો.