કાબૂલઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં આવતા મહિને યોજાનારા વન-ડે વર્લ્ડકપ 2023 માટે તેની 15 સભ્યની ટીમની જાહેરાત કરી છે. આ ટીમ એશિયા કપની ટીમથી એકદમ અલગ છે. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા ફાસ્ટ બોલર નવીન ઉલ હકને અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગુજરાતનો સ્પિનર નૂર અહેમદ પણ ટીમમાં સામેલ કરાયો છે.
2023 એશિયા કપ માટે 6 વર્ષ બાદ ટીમમાં પરત ફરેલા ઓલરાઉન્ડર કરીમ જનાતને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ સિવાય ઓલરાઉન્ડર ગુલબદ્દીન નૈબને પણ 15 સભ્યોમાં સ્થાન મળ્યું નથી. તેને રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે. આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહેલા મીડિયમ પેસર નવીન ઉલ હકને વર્લ્ડ કપ માટેની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાને વર્લ્ડ કપ માટે પોતાની ટીમમાં ચાર સ્પિનરોનો સમાવેશ કર્યો છે. જેમાં મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને નૂર અહેમદનો સમાવેશ થાય છે. નવીન ઉલ હક અને ફઝલહક ફારૂકીના રૂપમાં બે મુખ્ય ઝડપી બોલર છે.
2023 વન-ડે વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાનની ટીમઃ હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઈબ્રાહીમ ઝાદરાન, રહમતુલ્લાહ ગુરબાઝ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, ઈકરામ અલી ખિલ, રિયાઝ હસન, અબ્દુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, અબ્દુલ રહમાન, નૂર અહેમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી અને નવીન ઉલ હક. રિઝર્વ ખેલાડીઓમાં ગુલબદ્દીન નૈબ, શરફુદ્દીન અશરફ, ફરીદ અહમદ મલિકનો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને